અમદાવાદઃ દેશમાં ઓગસ્ટ મહિનામાં જીએસટીની જંગી આવક થઈ છે પરંતુ ગુજરાતમાં મંદીની અસર જીએસટીની આવક ઉપર પણ પડી છે. રાજ્યમાં જુલાઈ મહિલાની સરખામણીએ ઓગસ્ટમાં જીએસટીની આવકમાં ઘટાડો થયો છે. જુલાઈમાં ગુજરાતમાં જીએસટીની રૂ. 9183 કરોડની આવક થઈ હતી. જેની સામે ઓગસ્ટમાં 8648 કરોડનું કલેકશન થયું હતું. ટેક્ષ કલેકશનનાં ઘટાડો મુખ્યત્વે વ્યાપારિક અને ઔદ્યોગિક ગતિ મંદ થવાના કારણે છે.
રાજયના કોમર્શીયલ ટેક્ષ કમિશ્નર મિલીંદ તોરવણેએ કહ્યું કે, ઓગસ્ટમાં બે મોટા તહેવારો હતા અને ભારે વરસાદ પણ હતો. વ્યાપારિક અને ઔદ્યોગિક પ્રવૃતિઓ મંદી સીઝનના કારણે સુસ્ત રહી હતી. જુલાઇ કરતા ઓગસ્ટમાં ટેક્ષ કલેકશન ઘટવાના આ મુખ્ય કારણો હતા.
દેશનું જીએસટી કલેકશન જુલાઇના 1.48 લાખ કરોડની સામે ઓગસ્ટમાં ઘટીને 1.43 લાખ કરોડ થયું હતું. જો કે ઓગસ્ટ 2021ના જીએસટી કલેકશનની સરખામણીમાં ઓગસ્ટ 2022નું જીએસટી કલેકશન 15 ટકા વધ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. દેશમાં છેલ્લા છ મહિનાથી જીએસટીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગયા વર્ષે કોરોના મહામારી પછીની અસરમાંથી બહાર આવવાની શરૂઆત થઇ હતી, બીજી તરફ આ વર્ષે ઔદ્યોગિક પ્રવૃતિઓએ સારી ગતિ પકડી લીધી છે જેના લીધે વિકાસ દેખાઇ રહ્યો છે. ઓટોમોબાઇલ ઉદ્યોગમાં ચીપની અછતના કારણે વેચાણમાં ઘટાડો થયો હતો જેના લીધે પણ ટેક્ષ કલેકશનમાં કેટલોક ઘટાડો થયો હતો. બીજી તરફ આ વર્ષે ઓગસ્ટમાં રાજયનું વેટ કલેકશન27.4 ટકા વધીને 3349 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.