Site icon Revoi.in

ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં કુલ સરેરાશ 79.83 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે વરસાદ

Social Share

અમદાવાદઃ રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન અત્યાર સુધીમાં સિઝનનો લગભગ 80 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. તેમજ હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શકયતાઓ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. દરમિયાન રાજ્યમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 136 ટકા જેટલો વરસ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 109.46, ઉત્તર ગુજરાતમાં 67 ટકા, દક્ષિણ ગુજરાતમાં  70 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ચાલુ વર્ષો ચોમાસાની સિઝનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળની સ્થિતિ ઉભી થઈ હતી. તેમજ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાના અનેક ગામો ભારે વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

દરમિયાન જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદથી  થયેલ માઠી અસરો,ખેડૂતોના પાકને નુકસાની, ઘરવખરીના સામાનનુકસાનીનાં સર્વેની કામગીરી સહિતની બાબતોની રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ઉપરાંત ઘેડ પંથકમાં બંધ રસ્તાને વહેલાસર પૂર્વવત કરવા માટે સૂચના આપી હતી.

જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મંત્રીએ જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર તેમજ જિલ્લામાં થયેલા વરસાદ અને બાદમાં લેવાયેલા પગલાં- સાફ-સફાઈ અને દવા છંટકાવ સહિત જિલ્લાની અને બહારથી મંગાવાયેલી ટીમો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં સરેરાશ વરસાદ કરતાં પણ ચોમાસાના પ્રારંભિક તબક્કામાં વધારે વરસાદ પડ્યો છે અને તેના કારણે  ખેતી પાકો ઉપરાંત નદી કાંઠા વિસ્તારના ખેતરો ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ અસરો થઈ છે. અને તે અંગે કરાયેલ સર્વે તેમજ રજૂઆતો અંગે રાજ્ય સરકાર હકારાત્મક વિચારણા હાથ ધરશે. જુનાગઢ જિલ્લામાં પડેલ વરસાદ અને ત્યારબાદ ખાસ કરીને ઘેડ વિસ્તારમાં બંધ રસ્તાઓ શરૂ કરવા અને રેસ્ક્યુ કામગીરી સહિતની માહિતી પણ મંત્રીને આપવામાં આવી હતી.