ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા.10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં વધુને વધુ નવા મુડી રોકાણો આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈના પ્રવાસે છે. દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આયોજીત રોડ-શો દરમિયાન અગ્રણી ઉદ્યોગપતિઓને સંબોધન કર્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર દિવસ દરમિયાન યુ એ ઇ ના બે મંત્રી ઓ તેમજ 8 જેટલા અગ્રણી ઉદ્યોગ રોકાણકારોને વન ટુ વન બેઠકમાં મળ્યા હતા. સાંજે ઓબેરોય હોટલમાં આયોજિત રોડ શો દરમિયાન કહ્યું હતું કે, ગુજરાત ભારતના સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ અને અર્બનાઇઝ ઇકોનોમી ધરાવતા રાજ્યોમાંનું એક રાજ્ય છે અને સામાજિક-આર્થિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં નેશનલ લીડર બન્યું છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગના ત્રિવેણી સંગમથી ગુજરાત વિશ્વના મૂડીરોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. લોજિસ્ટિક્સની સુવિધાઓ, સક્રિય નીતિ નિર્માણ અને રોકાણકારો માટે સાનુકૂળ વાતવરણને પરિણામે 2011માં સમગ્ર ભારતમાં સૌથી વધારે વિદેશી રોકાણ એફ.ડી.આઇ. ગુજરાતે મેળવ્યું છે. ધોલેરા SIR, ગિફ્ટ સીટી, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્ક જેવા સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ પર ગુજરાતે ભાર મૂક્યો છે. મુખ્યમંત્રી એ જણાવ્યું કે, ગુજરાત અત્યારે કેટલાક નોંધપાત્ર સ્ટાર્ટ અપ્સનું કેન્દ્ર છે. ગુજરાતમાં ઇન્કયુબેશન કેન્દ્રો, આઇક્રિએટ વિગેરે દ્વારા એક એવી સફળ ઇકોસિસ્ટમ વિકસી છે. જેમાં ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળે છે.
મુખ્યમંત્રી એ જણાવ્યું કે, ગુજરાત યુ.એ.ઈ. માટે ભારતનું પ્રવેશદ્વાર છે અને ભારતમાં યુએઈનું પ્રવેશદ્વાર બનવા માટે એકદમ તૈયાર છે. યુએઇમાં રહેતા 35 લાખ ભારતીયો બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને તેમના વિકાસ માટે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે રહેતા ભારતીય સમુદાયોમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ છે. ભૂપેન્દ્ર પટેલ એે આ રોડ-શો માં ઉપસ્થિત રહેલા દુબઇના અગ્રણી ઉદ્યોગ-રોકાણકારોને ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું
તેમજ સૌને ગુજરાત સરકારના પૂરતા સહયોગની ખાતરી પણ આપી હતી. આ રોડ શોમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, યુ એ ઈ ખાતેના ભારતીય રાજદૂત તેમજ મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા હતા.