Site icon Revoi.in

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સમગ્ર દેશમાં સૌથી ઓછોઃ નીતિન પટેલ

Social Share

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાથી વાહન ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ક્રુડ ઓઈલની કિંમતમાં વધારો થયો છે એટલે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થયો છે. જો કે, ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ ઉપર ટેક્સ સૌથી ઓછો હોવાથી દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના પ્રચારમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાએ નિર્ણય કર્યો હોય તેમ ભાજપના અનેક ઉમેદવારો બિન હરીફ જાહેર થયાં છે. કોંગ્રેસના પુરતા ઉમેદવારો પણ મળ્યાં નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી પ્રજાને સંતોષ છે. સી.આર.પાટિલ દ્વારા પેજ પ્રમુખની કાર્યવાહી કરી છે. જેનાથી ભાજપનું સંગઠન વધારે મજબુત બન્યું છે. 25 વર્ષથી અનેક મનપા અને નપામાં ભાજપનું શાસન છે તેનો પ્રજાને લાભ મળ્યો છે. આ સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આખા દેશમાં પેટ્રોલ-ડિઝલ ઉપર ટેસ્ટ ગુજરાતમાં સૌથી ઓછો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા છે. જેથી પ્રજા ઉપર બોજો પડવા દીધો છે. 85 ટકાથી વધારે ક્રુડ ઓઈલ વિદેશથી આયાત કરવું પડે છે. બેરેલની કિંમતમાં વધારો થયો હોવાથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. કોરોનાને કારણે આર્થિક મુશ્કેલી ઉભી થઈ છે. આંતરરાષ્ટ્રીય કિંમતમાં વધારો થતા ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. ક્રુડ ઓઈલની ખપત ઘટે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે.