ગુજરાતે માત્ર પોલિટીક્સ જ નહીં પણ સાંસ્કૃતિક, અને આર્થિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવી છેઃ રાષ્ટ્રપતિ
ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધનમાં ગાંધીજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈને યાદ કરીને ગુજરાતના વખાણ કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે માત્ર પોલિટિક્સમાં જ નહીં પણ સાંસ્કૃતિક, સામાજિક, અને આર્થિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવી છે. ગુજરાત સાથે મારો નાતો જૂનો છે. 70 ના દાયકાથી મારુ અહી આવવા-જવાનુ થાય છે. મારી પ્રત્યેક યાત્રામાં એ ઉર્જાનો અનુભવ કર્યો, જે ગુજરાતની જનતામાં જોવા મળે છે. આ મારુ સૌભાગ્ય છે કે, યુવાવસ્થામાં મોરારજી દેસાઈ સાથે કામ કરવાની તક મળી, તેઓ વડાપ્રધાન પણ બન્યા હતા. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવાની તક મળી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે ગુજરાત વિધાનસભા ગૃહમાં સંબોધન કર્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સ્વાગત પ્રવચન આપીને વિધાનસભા વતી ભગવત ગીતા ભેટ આપી હતી. તેના બાદ રાષ્ટ્રપતિએ સંબોધન શરૂ કર્યુ હતું.
રાષ્ટ્રપતિએ સંબોધનની શરૂઆતમાં કહ્યુ કે, લોકતંત્રના આ મંદિરમાં તમારી વચ્ચે આવીને મને આનંદ થાય છે. મારુ સૌભાગ્ય છે કે, બાપુની જન્મભૂમિ ગુજરાતની ભૂમિ પર આવવાના અનેક અવસર મળ્યાં. આ સમારોહ ત્યારે આયોજિત થયો છે, જ્યારે દેશ આઝાદીને અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આ માટે ગુજરાતથી વધીને કોઈ મોટુ સ્થાન નથી. સ્વતંત્રતાની કલ્પના કરનારાઓમાં ગુજરાતના લોકો અગ્રણી ભૂમિકામાં હતા. દાદાભાઈ નવરોજી, ફીરોઝશાહ જેવાએ અવાજ ઉઠાવ્યો હતો, જેને ગુજરાતના લોકોએ મજબૂત બનાવી. અંતે મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં સ્વતંત્રતા મળી. આજે વિશ્વમાં કોઈ હિંસા થાય ત્યારે બાપુના મૂળ મંત્ર અહિંસાના માર્ગનો અહેસાસ થાય છે. ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય રહ્યો છે. સત્યાગ્રહની ભૂમિ પણ કહેવાય છે.
તેમણે કહ્યુ કે, બારડોલી સત્યાગ્રહ, દાંડી માર્ચ અને મીઠા સત્યાગ્રહએ સ્વતંત્રતા સંગ્રામને નવો વેગ આપ્યો. બારડોલી સત્યાગ્રહથી સરદાર પટેલનો મહાન જનનાયક તરીકે ઉદય થયો. દેશવાસીઓના હૃદયમાં સરદાર પટેલનું કદ તેમની પ્રતિમા કરતા પણ ઉંચુ છે. રાજનીતિની સાથે સાંસ્કૃતિ, સામાજિક અને આર્થિક ક્ષેત્રે પણ ગુજરાતની ભૂમિકા મહત્વની છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ સ્વતંત્રતા સંગ્રામનું ગીત બન્યુ હતું. આ ભજને માનવતાવાદને રજૂ કર્યું. હંસા મહેતાએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મહિલાઓને પુરુષોના સમકક્ષ સ્થાન અપાવવાનું કામ કર્યું. ગુજરાતના લોકોની ઉદારતા ભારતીય સંસ્કૃતિની પ્રમુખ વિશેષતા રહી છે. અહીંના તમામ મંદિરોમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે.
સંબોધનમાં તેમણે કહ્યુ કે, સંર્ઘષોથી સદા વિકસિત આ ધરતી પહેલાથી પણ વધુ વિકસિત બની છે. આધુનિક યુગમાં વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતનું અમૂલ્ય યોગદાન છે. 1960 મા અલગ અસ્તિત્વ બન્યા બાદ આ રાજ્ય ઈનોવેશન ક્ષેત્રે આગળ રહ્યુ. આ વિકાસ માટે તમામ પૂર્વ મુખ્યમંત્રીઓના યોગદાનના વખાણ કરું છું. ગુજરાતની વિકાસયાત્રાને યાત્રા વધારવા સીએમ મુખ્યમંત્રી અને તેમની ટીમને મારી શુભેચ્છા છે. ગુજરાત એકમાત્ર રાજ્ય છે, જ્યા વિધાનસભા દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઈન્વેસ્ટ અને વિકાસમાં પ્રોત્સાહન આપવા ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એક્ટ બનાવવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિએ કહ્યુ કે, ‘તમે તમારા વિસ્તારના પ્રતિનિધિ છો. પણ મહત્વનુ છે, પણ તમારી જનતા તમને ભાગ્યવિધાતા માને છે. તેમની ઈચ્છા તમારી સાથે જોડાયેલી છે. તેમની ઈચ્છા પૂરી કરવાનો તમારો પ્રયાસો સર્વોપરી હોવો જોઈએ.’ આવુ કહીને તેમણે ધારાસભ્યોને ટકોરતા કહ્યુ હતુ કે શુ હવે આ બાબત પર તાળીઓ નહિ વગાડો?
રાષ્ટ્રપતિના આગમનને લઈને અનેક ધારાસભ્યોએ શિસ્તનું પાલન ન કર્યું. ધારાસભ્યોને 10.30 સુધી બેઠક વ્યવસ્થા લઈ લેવાની સૂચનાઓ હોવા છતાંય 10.50 સુધી ધારાસભ્યો ગૃહમાં ફોટા પડાવતા રહ્યા હતા. આખરે દંડક પંકજ દેસાઈએ ધારાસભ્યોએ ટકોર કરીને તમામને પોતાની બેઠક વ્યવસ્થા પર જવા માટે કહ્યું હતું.
ગૃહમા રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષ ત્રણે સાથે બેસ્યા હતા. જેથી ત્રણ ખુરશી રાખવામાં આવી હતી. અલગ અલગ કલરના ફુલોથી બેસવાની જગ્યા શણગારાઈ છે. સાથે જ રાષ્ટ્રપતિની રંગોળી પણ બનાવાવમાં આવી છે. જગન્નાથ મંદિર, અમદાવાદના દિલીપ દાસજી મહારાજ, વૈષ્ણવ સંપ્રદાયના દ્વારકેશલાલજી પણ પ્રક્ષેક ગેલેરીમાં હાજર રહ્યાં હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના સંબોધન સમયે પ્રક્ષેક ગેલેરીમાં વિશેષ આમંત્રિતોને સ્થાન અપાયુ છે. એક ગેલેરીમાં પદ્મ સન્માનિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં છે. તો બીજી ગેલેરીમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના ઉપકુલપતિઓને સ્થાન આપવામાં આવ્યું છે. ત્રીજી ગેલેરીમાં રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓને સ્થાન આપવામાં આવ્યું છે.