ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોમાસની સિઝનમાં 26 ટકા જેટલો વરસાદ વરસ્યો
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસુ જામ્યું છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યો છે. જો કે, હજુ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી જેથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 26 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
રાજ્યમાં ચોમાસાના વિધિવત રીતે પ્રારંભ થયા બાદ હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં 18.13, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 16.96. સૌરાષ્ટ્રમાં 36.29 ટકા, દક્ષિણ ગુજરાતમાં 28.66 અને કચ્છમાં 34.91 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26.32 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ચોમાસાને એક મહિનો પૂરો થવા છતાં ગુજરાતમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસ્યા નથી. હજુ સુધી 9.15 ઈંચ સાથે સિઝનનો 26.32 ટકા વરસાદ વરસ્યો છે. જેની સરખામણીએ ગત વર્ષે 12મી જુલાઇ સુધી 21.34 ઈંચ સાથે સિઝનનો 48 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. હાલ રાજ્યના 18 જિલ્લા એવા છે જ્યાં વરસાદની 20 ટકાથી પણ વધુ ઘટ છે. ગુજરાતમાં જૂનમાં 4.52 ઈંચ જ્યારે 12મી જુલાઈ સુધી 4.62 ઈંચ વરસાદ વરસ્યો છે. 166 તાલુકામાં હજુ 10 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ વર્ષ 2023માં 12મી જુલાઈ સુધીમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા માત્ર 57 તાલુકા હતા. ગતવર્ષે 63 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર 25 તાલુકા છે.