અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે, વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે અને હવે ઈદ્ર દેવને પ્રાર્થના કરી રહ્યાં છે કે, મેઘરાજા મનમુકીને વરસે નહીં તો ખેતરોમાં ઉભા તેમના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 81.82 ટકા એટલે કે 27 ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યના લગભગ 51 તાલુકામાં 100 ટકાથી વધી જ્યારે 74 તાલુકામાં 60 ટકાથી ઓછો વરસાદ વરસ્યો છે. જો કે, સમગ્ર રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વર્ષ 2022માં ઓગસ્ટ મહિનામાં 10.54 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં આ વખતે આંધી, તુફાન અને ભયાનક બિપરજોય વાવાઝોડા સાથે ચોમાસાનો પ્રારંભ થયો હતો પરંતુ જુલાઈમાં વરસાદનું જોર ઘટવાનું શરૂ થયુ અને ઓગસ્ટમાં તો સાવ બ્રેક જ વાગી ગઈ હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ કુલ 28.68 ઈંચ એટલે કે, 81.82 ટકા વરસાદ થયો છે, જે ગત વર્ષની સરખામણીએ 18 ટકા ઓછો છે. ગત વર્ષે અત્યાર સુધીમાં કુલ સરેરાશ 34.45 ઈંચ એટલે કે, 101 ટકાથી વધુ વરસાદ વરસી ગયો હતો. ચોમાસાના પ્રારંભે એટલે કે, જૂન માસમાં આ વખતે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક 9.71 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ ચોમાસાની શરૂઆત જોતા રાજ્યમાં એવો માહોલ સર્જાયો હતો કે, આ વખતે ચોમાસું પાછલા વર્ષોનો રેકોર્ડ બ્રેક કરી દેશે. પરંતુ જુલાઈના પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટવા લાગ્યું હતુ. જેના કારણે હજુ પણ 18 ટકા જેટલી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.