અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ ઉત્પાદનમાં વધારો થાય તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્રારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પશુપાલકોને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવી રહી છે. જેથી ઉત્પાદનમાં સતત વધારો થયો છે.
દુધ ઉત્પાદનમાં અંદાજે 14 ટકાનો વધારો થયો હતો. અન્ય રાજયોની સરખામણીમાં દુધ ગુજરાતમાં ઉત્પાદન પ્રાપ્તિ દરરોજની સરેરાશ 245.8 લાખ કિલો રહી હતી.
કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરેલા આંકડાકીય રીપોર્ટ મુજબ, સમગ્ર દેશમાં સૌથી વધુ દુધ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. એપ્રિલ-2021 માં દરરોજ 228.6 લાખ કિલો દુધની પ્રાપ્તી થઈ હતી. કોરોના કાળ વખતે ખાનગી ડેરીઓ ખરીદીમાં મોટો કાપ મુકયો હતો. જો કે, સહકારી ડેરીઓએ રંગ રાખ્યો હતો અને પશુપાલકો પાસેથી તમામ દુધની ખરીદી કરી હતી અને ભાવ પણ યથાવત રાખીને તેઓને કોઈ આર્થિક નુકશાન થવા દીધુ ન હતું.
કોરોના કાળમાં દેશભરમાં દુધના ભાવ સ્થિર રહ્યા હતા. ગુજરાતમાં ઉત્પાદન-પ્રાપ્તિમાં મોટો વધારો હતો. સૌથી મોટી સહકારી ડેરી દરરોજ 40 લાખ લીટર દુધ મેળવતી હતી. જુલાઈમાં દુધનું ઉત્પાદન ઘટતુ હોય છે. તેમ છતાં સરેરાશ 193 લાખ લીટરની પ્રાપ્તી હતી જયારે સર્વોચ્ચ સ્તરે તે 280 લાખ લીટર થયુ હતું.
અમુલના અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, જુદી જુદી સહકારી ડેરીઓ દ્વારા પશુપાલકોને કિલો ફેટ દીઠ 680 થી 710 સુધીના ભાવ ચુકવવામાં આવ્યા હતા. ખેડૂતોને અનેકવિધ સમસ્યાઓ હતી છતાં દુધની પ્રાપ્તિને કોઈ અસર થવા દેવામાં આવી ન હતી. અમુલના મેનેજીંગ ડાયરેકટર આર.એસ.સોઢીએ કહ્યું કે પશુપાલકોને સહકારી ડેરી ક્ષેત્રમાં પુરતો ભરોસો હોવાથી વિકાસની હરણફાળ છે.
(Photo-File)