Site icon Revoi.in

ગુજરાતમાં ત્રણ દાયકામાં સૌથી ઓછો વરસાદઃ 20 તાલુકામાં તો પાંચ ઈંચ વરસાદ પડ્યો નથી

Social Share

અમદાવાદઃ ભાદરવા મહીનાના આગમનને હવે 10થી 12 દિવસ બાકી રહ્યા છે, ત્યારે પણ હજુ મેઘરાજાના રિસામણા ચાલુ જ રહ્યા છે.વરસાદના બે રાઉન્ડ બાદ પણ વરસાદની ઘટ છે. જો આગામી એક સપ્તાહમાં વરસાદ ના થયો તો ગુજરાતમાં સત્તાવાર દુષ્કાળ જાહેર કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.રાજ્યના 110 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. જ્યારે બે તાલુકા એવા છે જેમાં બે ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે  20 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. વેધર વોચ ગૃપની બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યુ કે, રાજયમાં અત્યાર સુધી 24 ઓગસ્ટ સુધીમાં 350.33મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 41.71 ટકા છે.

રાજ્યભરમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા ખેડુતો મથામણ કરી રહ્યા છે. સિંચાઈના પાણી માટે વલખાં મારતાં ખેડૂતોને પાક વીમાના વિકલ્પમાં રહેલી CM કિસાન સહાયની હવે પરીક્ષા થશે. નવી યોજના હેઠળ જે તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ થાય અથવા 31 ઓગષ્ટ સુધી બે વરસાદ વચ્ચે સળંગ 28 દિવસનું અંતર હોય તો આ સ્થિતિમાં કૃષિ નુકસાન થાય તો તેને અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળનું જોખમ ગણવા કહેવાયું છે.કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે 23 ઓગસ્ટ 2021 સુધીમાં અંદાજીત 80.06 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 80.64 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 93.59 ટકા વાવેતર થયુ છે.

જળસંપત્તિ વિભાગના સૂત્રોએ  જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોએ મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના 56 જળાશયોમાં 30 સપ્ટેમ્બર સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે. જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે. 39 જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.