અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી હોવાથી લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન રણપ્રદેશ તરફથી આવતા દક્ષિણ પશ્ચિમી પવનોને કારણે તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવશે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યના તાપમાનમાં 11 દિવસ પછી ફરીથી ગરમીનો પારો 43 ડિગીને વટાવી ગયો હતો અને આગામી બે દિવસ દરમિયાન પણ 42 થી 43 ડિગ્રી જેટલું રહેવાનું અનુમાન છે. હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં દક્ષિણ પશ્ચિમના સૂકા પવનો ફૂંકાતા તાપમાનનો પારો ઉંચકાયો છે. બુધવારે અમદાવાદ 43. 3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી રવિવારથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ થોડું ઘટશે. જોકે રાજ્યમાં વરસાદની હાલમાં કઈ શકયતા નથી અને વરસાદ માટે જૂન મહિનાના અંત સુધી રાહ જોવી પડશે.
રાજધાની દિલ્લી તેમજ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જોકે દિલ્લીમાં થોડા દિવસમાં લોકોને લૂથી રાહત મળે તેવી શક્યતા છે જ્યારે હિમાચલ પ્રદેશ અને જમ્મુ -કાશ્મીરમાં આગામી 2 દિવસ દરમિયાન વરસાદની શકયાતઓ છે. રાજસ્થાનના ઘણા શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્યિસ નોંધાયું છે. અજમેરમાં તાપમાન 43 ડિગ્રી અને જયપુરમાં 45 ડિગ્રી સુધી જવાની આશા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિલ્લીના તાપમાનમાં પરિવર્તન થઈ શકે છે અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તે પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં ગત સોમવારે સાંજે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા.