ગુજરાતઃ હજુ આગામી 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે જામનગર, દ્વારકા જેવા જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. તો વડોદરા, નડિયાદ સહિત અનેક શહેરોમાં ભરાયેલા પાણી હવે ઓસરવા લાગ્યા છે. જોકે આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં ભારે રસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને કાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર અને,અમરેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી છે.
રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 120 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમા સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 12 ઈંચ અને કચ્છના અબડાસામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજયમાં કુલ 105 ટકા વરસાદ નોંધાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજા દિવસે વીડિયો કોન્ફરસ યોજી વરસાદ પ્રભાવિત વિસ્તારોની બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાણી ઓસરવાની શરૂઆત થતા તુરંત જ જંતુનાશક દવાના છંટકાવ સહિત સફાઈની કામગીરી શરૂ કરાશે. તેમજ રોગચાળો ન ફેલાય તે માટે તબીબોની ટીમ પણ રવાના કરવામાં આવશે. તેમજ સત્વરે કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણીનું કામ પણ હાથ ધરવામાં આવશે. રાજ્યમાં વરસાદને કારણે 108 ડેમ હાઇ એલર્ટ ઉપર છે. તો 76 જળાશયો 100% ભરાયા છે. રાજ્યભરમાં ભારે વરસાદના કારણે 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સ્ટેટના 34 હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ગાંધીનગર , આણંદ, ખેડા, વડોદરાના કુલ 9 લોકોના મૃત્યુ થયા છે.
દેવભૂમિ દ્વારકા ગત બે દિવસથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખંભાળિયામાં 27 ઇંચ, દ્વારકામાં 18 ઇંચ, કલ્યાણપુરમાં 20 ઇંચ, અને ભાણવડમાં 22 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે ઓખા સમુદ્રમાં ફસાયેલા 13 જિલ્લા માછીમારોનું કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. તો ટીટોડી ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા આઠ લોકોનું કોસ્ટ ગાર્ડના ચોપર દ્વારા રેસ્ક્યું કરાવ્યું હતું.. તો રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો. બીજી તરફ દ્વારકા – પોરબંદર નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 37 જેટલા રસ્તાઓ હાલ બંધ છે.
અરવલ્લી જિલ્લામાં ધોધમાર છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જો છેલ્લા 24 કલાકમા અરવલ્લી જિલ્લામાં વરસેલ વરસાદ વિષે વાત કરવામાં આવે તો મોડાસામાં 3 ઇંચ, ધનસુરા, બાયડ, માલપુર અને મેઘરજમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ધનસુરા નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા.વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની સારી આવક થઈ રહી છે. જિલ્લાના માઝુમ ડેમ અને વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ હતુ. જેથી બંને નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે સાથે જ આ વરસાદથી ખેડૂતોને વર્ષ દરમિયાન ફાયદો થશે.
#GujaratFloods #HeavyRain #WeatherAlert #FloodSituation #Jamnagar #Dwarka #Vadodara #Nadiad #RainfallUpdate #WeatherForecast #Monsoon #IndiaWeather #RainAlert #FloodRescue #CoastGuard #RailwayDisruption #RoadClosures #GujaratWeather #Aravalli #FloodRelief #DisasterManagement #EmergencyResponse #PublicSafety #FloodedRoads #DamAlert #RainImpact