અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત છે. અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાતા કેટલાક લોકો બેઘર બન્યા છે, તો કેટલાક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે જામનગર, દ્વારકા જેવા જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. તો વડોદરા, નડિયાદ સહિત અનેક શહેરોમાં ભરાયેલા પાણી હવે ઓસરવા લાગ્યા છે. જોકે આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં ભારે રસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, ભારતીય હવામાન વિભાગે 29 ઓગસ્ટ 2024થી 02 સપ્ટેમ્બર 2024 સુધી માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી છે.
હાલ બંગાળની ખાડીમાંથી ગુજરાત આવેલી મજબૂત સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં તારાજી સર્જાઈ છે. આજે આ સિસ્ટમ ધીમે-ધીમે સરકી કચ્છ થઇ અરબ સાગરમાં થઇ પાકિસ્તાન તરફ જઇ રહી છે. જેના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર સિવાય અન્ય ભાગોમાં વરસાદનું જોર ધીમું થવાની શક્યતાઓ છે. બીજી તરફ વરસાદ લાવે તેવી વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ આવવાની વકી છે. ત્યારે આજનો દિવસ ગુજરાત માટે મહત્ત્વનો છે.