નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે નજીકના ભૂતકાળમાં કેટલીક ખાસ બદલીઓ કરી છે. જે અંતર્ગત, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડની આગેવાની હેઠળના કોલેજિયમ દ્વારા ગુજરાતના જસ્ટિસ નિખિલ કારિયલ ઉપરાંત તેલંગાણા હાઈકોર્ટના જજ એ અભિષેક રેડ્ડીની પણ પટનામાં બદલી કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ટી રાજાની પણ રાજસ્થાન હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી.
ગુજરાતના વરિષ્ઠ વકીલો દ્વારા આ બદલીનો વિરોધ કરવામાં આવ્યો અને આજે આ બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશનના વકીલોએ કોર્ટનું કામકાજ બંધ રાખ્યું હતું. જસ્ટિસ નિખિલની બદલી સંદર્ભે તેઓનું એક પ્રતિનિધિમંડળ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડને મળ્યું. આજે બપોર બાદ થયેલી આ મુલાકાતમાં કોલેજિયમ મંડળના સભ્યોમાંથી જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ.આર.શાહ પણ હાજર રહ્યા હતા. પ્રતિનિધિમંડળ દ્વારા મુખ્ય ન્યાયાધીશને આ બદલીનો આદેશ પાછો લઇ લેવાની રજૂઆત કરવામાં આવી. મુલાકાત દરમ્યાન મુખ્ય ન્યાયાધીશે મંડળને આ હડતાલ બંધ કરવા જણાવ્યું હતું અને તેમણે આશ્વાસન પણ આપ્યું હતું કે, તેમની આ માંગણી પર વિચાર કરવામાં આવશે.
(ફોટો: ફાઈલ)