ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ બેલાબેન ત્રિવેદી સુપ્રીમમાં ન્યાયધિશ બનશેઃ કોલેજિયમની મંજુરી
અમદાવાદઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા તમામ નવ જજોની નિમણૂકને મંજૂરી આપી છે. આ નવ જજોમાં ત્રણ મહિલાઓ જજનો પણ સમાવેશ થાય છે. આ ત્રણમાંથી એક નામ ગુજરાત હાઈકોર્ટના મહિલા જજનું પણ છે. આ ત્રણમાંથી કોઈ એક આગામી સમયમાં ભારતની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ પણ બની શકે છે. ખાસ વાત એ છે કે કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા નવ નામમાં બે નામ ગુજરાતના જજના છે. પ્રથમ ગુજરાતી મહિલા બેલાબેન ત્રિવેદી સુપ્રીમમાં ન્યાયાધિશ બની રહ્યા છે.
કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોમાં જે ત્રણ મહિલા જજના નામ છે તેમાં કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરથના, તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનો સમાવેશ થાય છે. બાકીના નામોમાં જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા (કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), વિક્રમ નાથ (ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), જીતેન્દ્ર કુમાર મહેશ્વરી (સિક્કિમ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), સીટી રવિકુમાર (કેરળ હાઇકોર્ટના જજ) અને એમએમ સુંદરેશ (કેરળ હાઇકોર્ટમાં જજ)નો સમાવેશ થાય છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં 24 જજ છે. સર્વેાચ્ચ અદાલતમાં નવ જજોની નિમણૂક બાદ પણ એક પદ ખાલી રહેશે. કેન્દ્ર સરકારે કોલેજિયમ દ્રારા આપવામાં આવેલા તમામ નવ નામોને મંજૂરી આપી દીધી છે. ચર્ચા છે કે ભલામણ કરાયેલા નામોમાંથી જસ્ટિસ નાગરથના ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. જો કે તે 25 સપ્ટેમ્બરથી 29 ઓકટોબર 2027 સુધી ટુંકા ગાળા માટે આ પદ પર રહી શકે છે. સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમમાં સીજેઆઈ એનવી રમણા, અને જસ્ટિસ ઉદય યુ લલિત, એએમ ખાનવિલકર, ધનંજય વાય ચંદ્રચુડ અને એલ નાગેશ્વર રાવનો સમાવેશ થાય છે. નવેમ્બર 2019 માં સીજેઆઈ તરીકે જસ્ટિસ રંજન ગોગોઈની નિવૃત્તિ બાદથી કોલેજિયમે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે એક પણ ભલામણ મોકલી નથી.