અમદાવાદ: ગુજરાતમાં કોરોના અંગે ઊભી થયેલી સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુઓમોટો પર આજે ગુરૂવારે વધુ સુનાવણી હાથ ધરવામં આવી હતી. ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગુજરાત સરકારે સોગંદનામું રજુ કરવાનું કહ્યું હતું. આ સુનાવણીમાં પણ હાઇકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલ કર્યા છે. રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, હૉસ્પિટલોમાં બેડની સ્થિતિ, આરટી-પીસીઆર ટેસ્ટ મામલે હાઇકોર્ટે સરકારને સવાલો કર્યા હતા. ગુજરાત સરકાર વતી હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાની સુનામી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા કહ્યુ હતુ કે, તમે પોઝિટિવ દર્દીના જે આંકડા રજૂ કરો છો તે ખોટાં છે, બાકી ઇન્જેક્શનની અછાત ન થાય.
કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપ્યો હતો. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. ત્યારે આજે ફરી હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે, જેમા ફરી રેમડેસિવિર ઈન્જેક્શનના મામલે કોર્ટ સરકારને ખખડાવી હતી. સિનિયર એડવોકેટ આંનદ યાજ્ઞિકે રજૂઆત કરતા જણાવ્યું કે, દરેક જિલ્લામાં RTPCR ટેસ્ટ લેબ હોવી જોઈએ તેમજ દરેક મ્યુનિસિપાલિટીમાં પણ ટેસ્ટિંગ ફેસિલિટી હોવી જોઈએ. ટ્રાઇબલ વિસ્તારો જિલ્લામાં RTPCR ની બહુ તકલીફો છે, બેડ પણ મળતા નથી. સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સુવિધા ઉભી કરવી જોઈએ, ગામડાઓમાં ડોકટરોની કમી છે જેના પર ધ્યાન આપવું જોઈએ.
ગુજરાત હાઈકોર્ટે સરકારને એવું સુચન કર્યુ હતું કે, સીટી સ્કેન સુવિધા અત્યારે ખૂબ જરૂરી છે, લોકો લાઈનો ખૂબ લાંબી જોવા મળે છે એના માટે વિચારો જોઈએ, RTPCR ટેસ્ટનો રિપોર્ટ જલ્દી મળે અને ઓક્સિજનની વ્યવસ્થા ગોઠવો, 108 કે એમ્બ્યુલન્સ માટે રાહ ન જોવી પડે એવી વ્યવસ્થા ગોઠવો, કોરોનામાં નાના મકાનમાં રહેતા પરિવારને પ્રોબ્લેમ થાય છે, આવા લોકોને રાખવા માટે કોઈ વ્યવસ્થા છે?, કોરોના કેસના આંકડા સાચા નથી એટલે જ રેમડેસિવિરની અછત છે?, જે દર્દીને ઓક્સિજનની જરૂર છે એને દાખલ કરવામાં આવતા નથી, આ સાચું છે? ઓક્સિજનનું બ્લેકમાર્કેટિંગ થઈ રહ્યું છે, અરેજમેન્ટ જલ્દી કરાવો , તમારી ડોકટરોની એક્સપર્ટ ટીમ દ્વારા લોકો સુધી રેમડેસિવિરના વપરાશની સાઈડ ઇફેક્ટની માહિતી પહોંચાડો, દરેક તાલુકામાં અને જિલ્લામાં RTPCR ટેસ્ટ સુવિધા છે? અમેં આખા રાજ્યની વાત કરીએ છીએ, સરકાર બેડ ખાલી હોવાનું કહે છે તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે, WHO કંઈ કહે છે, ICMR બીજુ કહે છે અને ગુજરાતમાં નાગરિકો રેમડેસિવર લેવા ફરે છે, આ શુ છે ?