અમદાવાદઃ રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં સરકારને ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી પેટે રૂ. 9574 કરોડ જેટલુ કલેક્શન થયું છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે 8 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રૂ. 8873 કરોડની આવક થઈ હતી. ઘટેલી ખપત અને મંદ કન્ઝયુમર એકટીવીટી આ બંનેના કારણે ગુજરાતમાં ટેક્ષ કલેકશન ધીમુ થયુ છે.’ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઘટવાના કારણે ઔદ્યોગીક ઉત્પાદન નીચુ ગયાનું તજજ્ઞો માની રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ડિસેમ્બર 2022માં જીએસટીનું રૂ. 9238 કરોડનું કલેક્શન થયું હતું. જ્યારે જાન્યુઆરી 2023માં 10008 કરોડ કલેક્શન થયું હતું. જો કે, ફેબ્રુઆરી મહિનામાં જીએસટી કલેક્શનમાં ઘટાડો થયો છે. તજજ્ઞોના મતે, જીએસટી કલેકશનના રેટ ઓફ ગ્રોથનો ઘટાડો આર્થિક પ્રવૃતિઓ ધીમી પડવી અને માંગમાં ઘટાડો દર્શાવે છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ના પ્રમુખ પથિક પટવારીએ કહ્યું, ‘ચોથા ત્રિમાસીકમાં સામાન્ય રીતે સારા વિકાસની આશા રહેતી હોય છે. તેમ છતાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઘટવાના કારણે ઔદ્યોગીક ઉત્પાદન નીચુ ગયુ છે. ઘટેલી ખપત અને મંદ કન્ઝયુમર એકટીવીટી આ બંનેના કારણે ગુજરાતમાં ટેક્ષ કલેકશન ધીમુ થયુ છે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘ઘટેલી માંગના કારણે ઉદ્યોગો રોકડ પ્રવાહની તકલીફ અનુભવી રહ્યા છે. ગુજરાત નિકાસ કરતા ઉદ્યોગોનું ઘર છે. ઘણા બધા દેશો આર્થિક મંદીની તકલીફ અનુભવી રહ્યા છે અને તેના કારણે નિકાસની માંગમાં ઘટાડો થયો છે.’