પાલનપુરઃ જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નવજીવન સોસાયટી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધની છાતી પર શનિવાર સવારથી અચાનક મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યા તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ પરિવારે તુરંત આ અંગે પાલનપુર સિવિલમાં મેગ્નેન્ટ મેનને લઈ જઈ ચેકઅપ કરાવ્યું હતું જ્યાં ફરજ પરના તબીબો ચોંકી ઉઠ્યા હતા અને કેસ કાઢી રિપોર્ટ કરાવ્યા હતા.
પાલનપુરમાં નવજીવન સોસાયટીમાં રહેતા નવિનભાઈ નામના વ્યક્તિને લોકો મેગ્નેટમેન તરીકે ઓળખી રહ્યા છે. નવિનભાઈ નામના 63 વર્ષના વૃદ્ધના શરીર પર લોખંડની વસ્તુઓ લોહચૂંબકની જેમ ચોંટી જાય છે. નવીનભાઈના પરિવારજનો તેમને શહેરની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડો. ભૂમિકા પટેલે તપાસતાં 50થી60 ગ્રામનો મોબાઇલ છાતી પર સ્પર્શ કરાવતા જ ચોંટી ગયો હતો. જેને જોઈ હાજર જુનિયર તબીબો સહિત હોસ્પિટલ સ્ટાફ પણ ચોંકી ગયો હતો. નવીનભાઈએ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું કે 2 મહિના પહેલા વેક્સિનનો ડોઝ લીધો હતો.
શનિવાર સવારથી સ્ટીલની વસ્તુઓ ચોંટતા શરીરમાં ચુંબકીય શક્તિનો અનુભવ થયો હતો. તબીબોએ જણાવ્યું હતું કે, બોડીમાં લોહતત્વનું, ઇલેક્ટ્રોલાઈટનું પ્રમાણ જાણી નિદાન કરીશું. આ સ્થિતિમાં સિટીસ્કેન કરાવવું હિતાવહ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક પરિવારે દાવો કર્યો છે કે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તેના પરિવારના એક વૃદ્ધ સભ્યને શરીરમાં ચુંબકીય શક્તિનું સર્જન થઈ ગયું છે. હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ તથા લોખંડનાં વાસણ તથા સિક્કા સરળતાથી ચોંટી રહ્યાં છે.