અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભાવ વધારાના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. બીજી તરફ આ જ પેટ્રોલ-ડીઝલના વેટથી ગુજરાત સરકારની કમાણી વધી રહી છે. વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલ કરાતા વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માં 46 %નો વધારો થયો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર સરકારનો પેટ્રોલ પર વસૂલવામાં આવેલો VAT રૂપિયા 3,919.76 કરોડથી વધીને 5,865.43 કરોડ થયો. જ્યારે ડીઝલ પર વસૂલવામાં આવેલો VAT રૂપિયા 8,753.58 કરોડથી વધીને 12,551.38 કરોડ થયો છે.
પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડીલરના જણાવ્યા અનુસાર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઓછામાં ઓછો 20%નો વધારો થયો છે. જેના કારણે પણ સરકારની પેટ્રોલ અને ડીઝલ પરની વેટની વસુલાત વધી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડીલરનના જણાવ્યા અનુસાર કોરોના મહામારીની બીજી લહેર બાદ માર્કેટ ખુલી જતાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં પણ વધારો થયો. જેમ-જેમ ઔદ્યોગિક ઉત્પાદનમાં તેજી આવી તેમ-તેમ વર્ષ 2021ના બીજા છ માસમાં ડીઝલની ડિમાન્ડમાં વધારો થયો હતો. જે અંદાજે 20 ટકા જેટલો વધારો હતો. ગત વર્ષે એટલે કે એપ્રિલ 2021માં 15 એપ્રિલથી 3 નવેમ્બર દરમિયાન પેટ્રોલની કિંમતમાં ઓછામાં ઓછો 20%નો વધારો થયો હતો. જેમાં 1 લીટર પેટ્રોલની કિંમત રૂપિયા 87.57થી વધીને 106.65 રૂપિયા પહોંચી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ડીઝલની 1 લીટરની કિંમત રૂપિયા 86.96થી વધીને 106.1 પર પહોંચી ગઈ હતી. તો તાજેતરમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. 31 માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો થયો છે. તો 30 માર્ચના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે છેલ્લાં 10 દિવસમાં 8મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં હાલ પેટ્રોલની કિંમત 101.01 રુપિયા અને ડીઝલનો ભાવ રુપિયા 92.27 પ્રતિ લીટર છે.