સુરતઃ ગુજરાત વિધાન સભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરીને નવા કાર્યકરો અને પાર્ટીઓના નેતાઓને સમાવવાનો ભરતી મેળો પણ શરૂ કરી દીધો છે. સુરતમાં પાર્ટીના અગ્રણી અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની આજે મુલાકાત દરમિયાન હીરાના વેપારી મહેશ સવાણી સિસોદિયાને મળતા રાજકીય માહોલ ગરમાયો હતો. અને મહેશ સવાણી આપમાં જોડાઈ રહ્યાની ચર્ચા શરૂ થઈ હતી.અને બપોરે સવાણી આપમાં જોડાઈ ગયા હતા.
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું આજે સવારે 7 વાગ્યની આસપાસ સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. તેઓના સ્વાગત માટે આપના નેતા પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહ્યા હતા. એરપોર્ટથી સિસોદિયા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. મનીષ સીસોદિયાનું સુરતમાં એક સ્પેશિયલ મિશન છે. સાથે જ આજે વેપારીઓથી માંડી ઉદ્યોગપતિઓ સુધીના મોટા માથાઓ AAPમાં જોડાય શકે તેવી શક્યતાઓ છે. હીરાના વેપારી મહેશભાઈ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. મહેશ સવાણીએ જણાવ્યું કે, હું સમાજ સેવા કરવાવાળો માણસ છું. છેલ્લા બે ત્રણ મહિનામાં જોયું એટલે મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે. પરિવારે પણ કહ્યું, તમે આખા ગુજરાતની સેવા કરી શકો છો. બીજી પાર્ટીમાં જશો તો હેરાન થશો, મારે સેવા કરવી છે શું થશે મને ગોળી મારી દેશે, મેં મારી જિંદગી જીવી લીધી છે, સમાજના કામમાં રાજકારણ ન હોવું જોઈએ. તમામ ખાનગી શાળાઓને ટક્કર મારે એવી સરકારી શાળાઓ આપએ દિલ્હીમાં બનાવી છે. મેં 80 વર્ષ જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું, બસ મારે સેવા કરવી છે, મેં વિદેશની, અહીંયાની અને દિલ્હીની સરકાર જોઈ છે એટલે મેં આ પક્ષ પસંદ કર્યો છે.
મનીષ સીસોદિયાના આગમન પહેલા રસ્તામાં જ આપના કાર્યકર્તાઓને અટકાવી દેવાતા કાર્યકર્તાઓએ રોષ વ્યકત કર્યો હતો. ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળ ભાજપ સરકારની તાનાશાહી સામે એક થઇ જાહેર રોડ પર જ વિરોધ કર્યો હતો. મગદલ્લા ચોકડી પરના ઓવર બ્રિજ નીચેથી જ એટલે કે, એરપોર્ટના સવા કિલો મીટર પહેલા જ સુરક્ષાના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓને પોતાના નેતા મનીષ સીસોદિયાનું ભવ્ય સ્વાગત કરતા અટકાવી દેવાયા હતા.