Site icon Revoi.in

ગુજરાતઃ આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવાશે

Social Share

અમદાવાદઃ આજે નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. રાજ્યના નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સફાઇ, પાણી, આવાસ જેવી પાયાની સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની મહિલાઓને તાલીમ અને નાણાકીય મદદ સાથે ક્ષમતાવર્ધન કરીને “સશક્ત અને આત્મનિર્ભર” બનાવી લખપતિ બનાવવા સરકાર કાર્ય કરશે. 

ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા તેમજ સુઘડતા સુનિશ્ચિત કરવા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત યોજનાકીય કામો સાથે જન-ભાગીદારી થકી લાંબાગાળાની વ્યવસ્થા કરવામાં આવશે. પંચાયતી રાજ વ્યવસ્થાને વધારે અસરકારક બનાવવા અને યોજનાઓના અમલમાં ગતિ અને ગુણવત્તા લાવવા પંચાયતી રાજની સંસ્થાઓમાં 2000 નવી તાંત્રિક અને બિન તાંત્રિક જગ્યાઓ ઉભી કરી સમગ્ર વહીવટી માળખાને સુદ્રઢ કરવામાં આવશે.  

પંચાયત  
•    15માં નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `2600 કરોડ ઉપરાંતની જોગવાઈ. 
•    ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ માટે વારિગૃહોના વીજબીલના ચૂકવણા માટે 794 કરોડની જોગવાઈ.
•    નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામો માટે `૩૦૦ કરોડની જોગવાઈ.
•    આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા 10 કરોડની જોગવાઇ.  

ગ્રામ વિકાસ 
•    મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા 1309 કરોડની જોગવાઇ. 
•    સૌને આવાસની પ્રતિબદ્ધતાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે 751 કરોડની જોગવાઇ.
•    રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (આજીવિકા) અંતર્ગત અંદાજે ત્રણ લાખ સ્વસહાય જૂથોની રચના કરી 30 લાખ પરિવારોને જોડવામાં આવેલ છે. આ યોજના માટે 262 કરોડની જોગવાઇ.
•    પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના 2.0  હેઠળ 255 કરોડની જોગવાઇ.
•    આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઉંચુ લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા 164  કરોડની જોગવાઇ. 
•    મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
•    ગ્રામ વિકાસની યોજનાઓના સરળ અને સુચારૂ અમલીકરણ માટે હયાત મહેકમને વધુ સુદ્દઢ બનાવવા `૪૨ કરોડની જોગવાઇ.
•    ઉદ્યોગોને અપાતા વેન્‍ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સોશિયલ એન્‍ટરપ્રાઇઝ ફંડ”ની રચના કરવામાં આવશે જે માટે આગામી 5 વર્ષમાં 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આગામી વર્ષ માટે 10 કરોડની જોગવાઇ.
•    સ્વસહાય જુથોની આવકમાં વધારો થાય તે માટે તંદુરસ્ત હરિફાઇને પ્રોત્સાહન આપવા Performance Linked Incentive યોજના માટે 5 કરોડની જોગવાઇ.