ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત પોર્ટ-લેડ ડેવલપમેન્ટ વિષય પર યોજાયેલા સેમિનારમાં સહભાગી થતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી પ્રયાસોથી દેશમાં પોર્ટ્સથી પ્રોસ્પેરીટીનો નવો ઇતિહાસ રચાયો છે ગુજરાત પણ તેમાં ‘‘પોર્ટ્સ ફોર પ્રોસ્પેરીટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસ’’નાં વિઝનથી આગળ વધીને યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે બે દાયકામાં ગુજરાત પોર્ટલેડ ડેવલપમેન્ટનું પાયોનિયર બન્યું છે અને પોર્ટ-લેડ સિટી ડેવલપમેન્ટના રોલ મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે. આ દિશામાં આગળ વધતાં વાઇબ્રન્ટ સમિટની આ 10મી એડિશનની થીમ પણ આપણે ગેટવે ટુ ધ ફ્યુચર રાખી છે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં સૌથી લાંબો 1600 કિલોમીટર દરિયાકિનારો ધરાવે છે. વડાપ્રધાનએ ગુજરાતની આ સ્ટ્રેટેજિક કોસ્ટ લાઈનને દેશની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાકાર કરી છે. પોર્ટ્સની કેપેસિટી વધારવાની દિશામાં પોર્ટ સિટી અને ગ્રીન ફિલ્ડ પોર્ટ્સ વિકસાવવાની સાથે રાજ્ય સરકાર હાલનાં પોર્ટ્સનું એક્સ્પાન્શન અને અપગ્રેડેશન કરવાની દિશામાં પણ કામ કરી રહી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.