Site icon Revoi.in

કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના વસવાટની કેન્દ્રની યોજનામાં ગુજરાતને રસ નથી

Social Share

અમદાવાદઃ દેશમાં વાઘની જેમ ચિત્તાની વસતી વધારવા કેન્દ્ર સરકાર પ્રયાસ કરી કરી છે. જમીન પર સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી ચિત્તો છે. ગુજરાતમાં ચિત્તાનો વસવાટ શરૂ થાય તેવું કેન્દ્ર સરકાર ઈચ્છે છે, પરંતુ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ અભેરાઈ પર ચડાવી દીધો છે. ભારતમાં ચિત્તો છેલ્લે વર્ષ 1947માં જોવા મળ્યો હતો, જેનું મૃત્યુ છતીસગઢમાં થયું હતું. દેશમાં પ્રાણી 1952માં સત્તાવાર રીતે લુપ્ત થયો હોવાનું નોંધવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાના સ્થાયી વસવાટ માટેની યોજના મુકી છે,પણ કહેવાય છે કે, આ યોજનામાં રાજ્ય સરકારને રસ નથી

સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના માધ્યમથી કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ગુજરાતના બન્નીના ઘાસના મેદાનો અને કચ્છ વન્ય અભયારણ્યમાં ચિત્તાને લાવવા માટે રજૂઆત કરી હતી. પરંતુ, રાજ્ય સરકારે હજી સુધી NTCA અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિને જવાબ આપ્યો નથી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં ત્રણ સભ્યોની કમિટી બનાવી હતી. જેમાં વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પૂર્વ ડિરેક્ટર રણજીત સિંહ, ડીજી ધનંજય મોહન અને કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયના પ્રાણીસૃષ્ટિના DIGનો સમાવેશ થતો હતો.

સમિતિની ભૂમિકા NTCAને ચિત્તાના પુનર્જન્મ પ્રોજેક્ટમાં ‘માર્ગદર્શન’ આપવાની હતી. મંત્રાલયે ગુજરાત સરકારને પત્ર લખીને ચિત્તા વિશે અભિપ્રાય માગ્યો હતો. પરંતુ કહેવાય છે કે, ગુજરાત તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. કેન્દ્રિય વન્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત તરફથી જવાબ ન મળ્યો હોવાથી, વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા ભારતમાં ચિત્તાને લાવવા માટે મધ્યપ્રદેશના કૂનો-પાલપુર પર વિચારણા કરી રહ્યા છે. આફ્રિકા, નામ્બિયા અને સાઉથ આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવશે. શરૂઆતમાં કેન્દ્ર સરકાર આ ત્રણ દેશોમાંથી 18 ચિત્તા લાવવાની યોજના ધરાવે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ હેતુ માટે 10 જગ્યાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે’ કૂનો-પાલપુર વન્યપ્રાણી અભ્યારણ્ય, જે શિયોપુર-શિવપુરી જંગલના લેન્ડસ્કેપનો એક ભાગ છે, તે સર્વે કરવામાં આવેલી જગ્યાઓમાં બીજા નંબરનો સૌથી મોટો વિસ્તાર હતો. ગુજરાતના વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચિત્તાને ખુલ્લી જગ્યા જોઈએ છે. ‘તેઓ ઘાસના મેદાનોમાં આરામદાયક છે અને ગુજરાતમાં બન્ની તેમના માટે શ્રેષ્ઠ જગ્યા છે. આ સિવાય, તેની નજીક કાળો ડુંગ વિસ્તાર છે, જ્યાં સારી સંખ્યામાં શિયાળ છે. વર્તમાનમાં, બન્ની ઘાસના મેદાનમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં 10-12 પ્રાણીઓનો શિકાર આધાર છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ચિત્તાને પાછા લાવવા માટે, શિકારની સંખ્યા વધારવા માટે ગુજરાત સરકારે તરત જ ચિત્તલ અને સાંભરનું સંવર્ધન શરુ કરવું પડશે.