ભારતમાં ક્યુ.આર કોડ સાથેના ટેકનોલોજીયુક્ત પાઠ્યપુસ્તકો તૈયાર કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત
અમદાવાદઃ રાજ્યના ખેતમજૂર, ખેડૂત, શ્રમિક અને ગરીબ પરિવારમાંથી આવતાં બાળકોને શિક્ષણ કાર્યમાં આર્થિક બોજ ન પડે અને વિદ્યાર્થીઓ સરકારની યોજના હેઠળ પુસ્તકો મેળવી મફતમાં અભ્યાસ કરે તે હેતુથી વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવાની યોજના રાજ્યમાં કાર્યરત છે તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર ભારતમાં એકમાત્ર ગુજરાત રાજ્ય એવુ છે જેણે ક્યુ.આર કોડ સાથેના ટેકનોલોજીયુક્ત પાઠ્યપુસ્તક તૈયાર કર્યાં છે. વર્ષ-2018થી રાજ્યનાં પાઠ્યપુસ્તકોમાં ક્યુ.આર કોડનો સમાવેશ કરાયો છે. જેને કારણે કોરોના મહામારીના સમયમાં છેવાડાના વિદ્યાર્થીઓ સહિત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ કન્ટેન્ટ સરળતાથી મળી રહ્યું છે. એટલું જ નહિ, ઓનલાઇન શિક્ષણનો લાભ મળી રહે તે માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.
રાજકોટમાં મફત પાઠ્યપુસ્તક યોજના સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે રાજકોટ જિલ્લામાં સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મફત પાઠ્યપુસ્તક યોજના હેઠળ વર્ષ 2020-21માં કુલ 60328 વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત રૂ 3,19,90,706નો ખર્ચ કરવામાં આવ્યો હતો.