અમદાવાદ: દેશની સરકારી કેન્સર હોસ્પિટલમાં સાયબર નાઇફ જેવા રોબોટિક મશીનની મદદથી રેડિયોથેરાપીની સારવાર શરૂ કરનાર ગુજરાત એકમાત્ર સૌપ્રથમ રાજ્ય બન્યું છે.ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ,સઘન સારવાર અને ટેકનોલોજીના ઉપયોગથી સર્વગ્રાહી આરોગ્ય સેવાઓમાં ગુજરાત રાજ્ય અગ્રેસર બની રહ્યું છે ત્યારે અંધત્વ નિવારણ કાર્યક્રમમાં 8 લાખથી વધુ મોતીયાના સફળ ઓપરેશન સાથે દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે.તો રાજ્યમાં 1 કરોડ 95 લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અપાયા છે.272 જેટલા ડાયાલીસીસ સેન્ટરમાં દર મહિને અંદાજિત 1 લાખથી વધુ ડાયાલિસીસના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
કેન્સરની બિમારીમાં કિમોથેરાપીની સારવાર જિલ્લા સ્તર સુધી પહોંચાડવા માટે વન સ્ટેટ વન કિમોના ધ્યેયમંત્ર સાથે રાજ્યના તમામ જિલ્લામાં ડે-કેર કિમોથેરાપી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ફક્ત 10 મહિનાના ટૂંકા ગાળામાં 81 હજાર કિમોથેરાપી સેશન કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI)માં ઓક્ટોમ્બર-2021માં રૂ. 85 કરોડના ખર્ચે અત્યાધુનિક રેડિયોથેરાપી મશીન કાર્યાન્વિત કરાયાં. આજે સરકારી કેન્સર હોસ્પિટલમાં સાયબર નાઇફ જેવા રોબોટિક મશીનની મદદથી રેડિયોથેરાપીની સારવાર શરૂ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. અમદાવાદ સિવિલ મેડિસીટીના મોડલ પર વડોદરા, સુરત, રાજકોટ શહેરમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ- મેડિસીટીનું નિર્માણ કાર્ય આરંભવામાં આવ્યું છે. રાજ્યના SOTTO(State Organ Tissue and Transplant Organisation) એકમ દ્વારા અંગદાનથી નવજીવનના ધ્યેયમંત્ર સાથે માનવસેવા અને ફરજનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરાયુ છે. રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની કામગીરી વેગવંતી બની છે.
છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 292 અંગદાન થયા અને 2422 જેટલા કેડેવર અને જીવંત ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨ વર્ષમાં 130 જેટલા અંગદાનમાં મળેલા 418 અંગો થકી 401 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. આજે સરકારી હોસ્પિટલમાં અંગદાનની શ્રેષ્ઠ પ્રવૃતિ માટે સમગ્ર દેશમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોડલરૂપ બની છે. દેશના દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત બને, વિદ્યાર્થીઓને ઘરઆંગણે મેડિકલ શિક્ષણ મળી રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતની શૃંખલાઓમાં વ્યક્ત કરેલા નિર્ધારને ગુજરાત સરકાર ફળીભૂત કરી રહી છે. 2 વર્ષ પહેલા રાજ્યમાં 31 મેડિકલ કૉલેજમાં 5500 જેટલી MBBS ની બેઠકો હતી. આજે રાજ્યામાં 40 મેડિકલ કૉલેજમાં 7050 જેટલી બેઠકો કાર્યરત થઇ છે.