ગુજરાત ઓલિમ્પિક ગેઇમ્સ જેવી મેગા સ્પોર્ટસ ઇવેન્ટના આયોજન માટે સુસજ્જ : મુખ્યમંત્રી
અમદાવાદઃ ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેઇમ્સ-રાષ્ટ્રીય રમતોત્સવને ભવ્ય સફળતાપૂર્વક ગુજરાત પાર પાડશે, તેવો નિર્ધાર વ્યક્ત કરીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 7 વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ રહેલા ૩૬માં રાષ્ટ્રિય રમોત્સવનું યજમાન બનવાનું ગુજરાતને સૌભાગ્ય મળ્યું છે. ગુજરાત ઓલિમ્પિક ગેઈમ્સ જેવી મેગા સ્પોર્ટ ઈવેન્ટના આયોજન માટે સુસજ્જ થયું છે.
આગામી તા. 27 સપ્ટેમ્બરથી તા.10 ઓક્ટોબર દરમ્યાન યોજાનારી 36મી નેશનલ ગેઇમ્સના લોગોનું લોન્ચીંગ તેમજ આ ગેઇમ્સના સફળ આયોજન માટે ગુજરાત સરકાર, ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિયેશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતીકરાર MoU ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ખાતે સંપન્ન થયા હતા. આ પ્રસંગ્રે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નેશનલ ગેઇમ્સના ભવ્ય આયોજનને પાર પાડવા આ MoU આધાર સ્થંભ બની રહેશે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે વ્યાપક ફલક પર સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. ગુજરાત આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓ અને ઓલિમ્પિક જેવી મેગા સ્પોર્ટસ ઈવેન્ટ્સ યોજવા માટે સજ્જ બની રહ્યું છે તેમાં આ 36મી નેશનલ ગેઇમ્સ પૂરક બનશે.
મુખ્યમંત્રીએ 36મી નેશનલ ગેઇમ્સ ના લોગો સંદર્ભે કહ્યું કે, ગુજરાતની આગવી ઓળખ એવા ગિરના સિંહ અને વિવિધ રમત ચિન્હોને આ લોગોમાં સ્થાન મળ્યું છે. ગુજરાતની અસ્મિતા, ખમીર સાથે-સાથે ખેલકૂદનું ઝનૂન આ લોગોમાં ઝળકી રહ્યું છે. 36મી નેશનલ ગેઇમ્સ નો લોગો રમતવીરોમાં નવી ઊર્જા, નવા ઉત્સાહનો સંચાર કરશે એવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ખેલકૂદ-સ્પોર્ટસ ના માધ્યમથી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો સંકલ્પ સુપેરે સાકાર થઈ શકે છે. સ્પોર્ટસ ટીમ-સ્પિરિટ જગાવે છે. સ્પર્ધા દરમિયાન ખેલાડીનું પરફોર્મન્સ મહત્વનું હોય છે. ખેલાડીની ભાષા, પ્રદેશ, નાતજાત વગેરેનું કોઈ જ મહત્વ હોતું નથી.
તેમણે વધુમાં કહ્યું કે, આઝાદી બાદ નાના-મોટા રજવાડા, પ્રોવિન્સને એક કરીને એક ભારતનો ધ્યેય ગુજરાતના સપૂત સરદાર સાહેબે પાર પાડેલો. એ જ ગુજરાતમાં જ્યારે ૩૬મી નેશનલ ગેઇમ્સ યોજાતી હોય ત્યારે તેની ટેગ લાઈન એકતાનો મંત્ર જ આપતી હોવી જોઈએ. ‘સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ’ આ ટેગ લાઈન એકદમ પરફેક્ટ છે.
નેશનલ ગેઇમ્સ માટેનુ આયોજન સામાન્ય રીતે ત્રણ વર્ષ જેટલો સમય માંગી લેતો હોય છે ત્યારે માત્ર ત્રણ માસ જેટલા ખુબ જ ટુંકા સમયગાળામાં ગુજરાતે આ આયોજન કરી બતાવ્યુ છે જે સમગ્ર ટીમ ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે. નેશનલ ગેઇમ્સ માં સહભાગી થનાર તમામ રમતવીરોનું ગુજરાતમાં અનોખી રીતે સ્વાગત કરાશે.