Site icon Revoi.in

ગુજરાતઃ એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં પ્રથમ ક્રમે, જામનગરનો ફાળો સૌથી વધારે

Social Share

એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) એ ચાર મુખ્ય આધારસ્તંભોમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ એટલે કે નિકાસ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટેનું વ્યાપક આકારણી માળખું છે. આ ચાર સ્તંભોમાં પોલિસી, બિઝનેસ ઇકોસિસ્ટમ, એક્સપોર્ટ ઇકોસિસ્ટમ અને એક્સપોર્ટ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ (FY) 2021-22 માટે EPI 2022 મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું અને નીતિ આયોગ દ્વારા 17 જુલાઈ, 2023ના રોજ તેની જાહેરાત કરવામાં આવી હતી. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં પ્રથમ અને પોલિસી પિલરમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. 126 બિલિયન યુએસ ડોલરથી વધુની નિકાસ સાથે ગુજરાત નાણાકીય વર્ષ 2021-22માં મર્ચન્ડાઇઝ નિકાસમાં ભારતમાં અગ્રેસર હતું, જે ભારતની કુલ મર્ચન્ડાઈઝ નિકાસમાં 30% હિસ્સો ધરાવે છે. અગાઉના વર્ષ (નાણાકીય વર્ષ 2020-21) માટે ગુજરાતની મર્ચન્ડાઇઝ નિકાસ 63 બિલિયન યુએસ ડોલર હતી, એટલે વૃદ્ધિની દ્રષ્ટિએ જોઇએ તો, ગુજરાતે તેના નિકાસ મૂલ્યને બમણું કર્યું છે. તમામ પિલર્સના વેઇટેજનો સરવાળો કરીએ, તો ગુજરાત 73.22 નો સ્કોર હાંસલ કરીને ચોથા ક્રમે રહ્યું હતું. 

ગુજરાતમાંથી થતી મર્ચન્ડાઇઝ નિકાસ તેની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) માં 35% યોગદાન આપે છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ ટકાવારી છે. વધુમાં, નાણાકીય વર્ષ 2021-22માં 4234 નવા નિકાસકારો સાથે ગુજરાતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરતા નિકાસકારોની સંખ્યામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. 

EPI 2022 ના અહેવાલ મુજબ, ભારતના ટોચના દસ જિલ્લાઓમાં ગુજરાતના 4 જિલ્લાઓ છે અને નિકાસની દ્રષ્ટિએ ટોચના 25 જિલ્લાઓમાં 8 જિલ્લાઓ છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. ગુજરાતના ટોચના 4 જિલ્લાઓ, જામનગર, સુરત, ભરૂચ અને અમદાવાદ ભારતમાંથી થતી કુલ મર્ચન્ડાઇઝ નિકાસમાં પાંચમા ભાગથી વધુ યોગદાન આપે છે. ભારતમાંથી થતી કુલ મર્ચન્ડાઇઝ નિકાસમાં જામનગર એકલું જ સૌથી વધુ ફાળો (12.18%) આપે છે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા અને હરિયાણાના કુલ યોગદાનની સમકક્ષ છે. 

રિપોર્ટમાં જિલ્લાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં નિકાસની કામગીરી વધારવાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે. ગુજરાતે જિલ્લા સ્તરે નિકાસની કામગીરીને વેગ અને પ્રોત્સાહન મળે તે માટે તમામ 33 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટી (DEPC) ની રચના કરી છે અને ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન (DEPP) તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત 2030 સુધીમાં ભારતના 1 ટ્રિલિયન યુએસ ડોલર મર્ચન્ડાઇઝ નિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સક્રિય નીતિગત પગલાં લેવાનું ચાલુ રાખશે અને માળખાગત સુવિધાઓને મજબૂત કરશે.