ગુજરાતઃ દરિયાકાંઠાની સુરક્ષાને ધ્યાનમાં રાખી બીએસએફ, નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસની સંયુક્ત કવાયત
અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાનો ડ્રગ્સની હેરાફેરીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. જેથી દરિયાઈ સુરક્ષાને લઈને બીએસએફની આગેવાનીમાં ચાર દિવસીય સંયુક્ત કવાયત શરૂ કરાઈ છે. જેમાં નેવી, કોસ્ટગાર્ડ અને રાજ્યની પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ છે. ત્રણ દિવસ સુધી તમામ સુરક્ષા એજન્સીઓની બેઠક બાદ આજથી આ કવાયત શરૂ કરી છે. ગુજરાતના દરિયામાં આ કવાયત શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના દરિયાઈ સીમા અને જમીન સીમા ઉપર પાકિસ્તાનની તમામ નાપાક હરકતોને જવાબ આપવાના ઈરાદે આ કવુયત શરૂ કરવામાં આવી છે. આ કવાયતમાં માછીમારોને પણ કોઇ શંકાસ્પદ કે ગેરકાનૂની પ્રવૃત્તિ અથવા રાષ્ટ્રીય સુરક્ષા વિરોધી હીલચાલ કરતી વ્યક્તિ કે પછી બોટ નજરે પડે તો સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સૂચના અપાશે.
પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયા માટે ભારતમાં નશીલા દ્રવ્યો ઘુસાડવાના કાવતરા ઘડી રહ્યાં છે. આ ડ્રગ્સ માફિયાઓના રેકેટનો તાજેતરમાં જ પોલીસે પર્દાફાશ કરીને જામખંભાળિયા અને મોરબીમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. બીજી તરફ એટીએસની ટીમે પણ પોરબંદરમાં ધામા નખીને એક શંકાસ્પદને ઝડપી લીધો હતો.