ઝારખંડના રાંચીમાં ઈન્ડિયા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ ઓફ જુનિયર્સ એન્ડ કેડેટ્સ 2023 યોજાઈ હતી. જે દરમ્યાન ગુજરાત કિકબોક્સિંગ ટીમની રમતગમત પ્રત્યેની મહેનત રંગ લાવી હતી. ગુજરાત કિકબોક્સિંગ ટીમે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીતી સિદ્ધિ હાંસલ કરી ગુજરાત કિક બોક્સિંગ ટીમમાં 28 જેટલા ખેલાડીઓએ વિવિધ કેટેગરી અને ઈવેન્ટ્સમાં સારો દેખાવ કરીને જીત મેળવી હતી. આ ચેમ્પિયનશિપમાં દેશભરના 32 રાજ્યો માંથી 2500 જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતની ટીમે પણ 38 ખેલાડીઓ અને 4 કોચની ટુકડી સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ગુજરાતના દરેક ખેલાડીએ આ રમતગમત ટૂર્નામેન્ટ દરમિયાન તેમના ઉત્કૃષ્ટ સમર્પણ, કૌશલ્ય અને ધૈર્યનું ઉત્સાહપૂર્વક અને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ જીત એથ્લેટ્સના સમર્પણ અને સખત મહેનતનું પરિણામ છે જે તમામ રમતગમત મહત્વાકાંક્ષી ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સિદ્ધ થશે એમ વાકો ગુજરાતના પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ભાલેઘરેએ જણાવ્યું હતું.