Site icon Revoi.in

ગુજરાતમાં કૃષિ ક્ષત્રે હાઈ ટેકનોલોજીનો પ્રારંભ, ડ્રોનથી યુરિયા છંટકાવનો ટ્રાયલ રન યોજાયો

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રારંભ કરાયો છે. ખેતી વ્યવસાયમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને વધુ ને વધુ ઉત્પાદન મેળવવા અને ખેતીનો ખર્ચ ઘટાડવા માટે અવનવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.  જેમાં ગાંધીનગરના માણસામાં ડ્રોન  દ્વારા નૈનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઈફકો નિર્મિત નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ વિશે મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલેજીને પ્રોત્સાહન આપવા તથા આ ટેકનોલોજી લાભાર્થીઓને વાજબીભાવે ઉપલબ્ધ કરાવવા માર્ગદર્શિકા જાહેર કરી હતી. ખેડૂતો માટે ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિની નવી ટેકનિકોને પ્રોત્સાહન આપવામા આવશે.

મનસુખ માંડવિયાએ ટ્વીટમાં કહ્યું હતું કે આ નવા ભારતની કૃષિ છે. આ પદ્ધતિથી કૃષિ ઉપજમાં વધારો થશે. વધુમાં જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  હંમેશાં નવીતમ ટેકનોલોજી પર ભાર મુકયો છે. ગાંધીનગરના માણસા ખાતે કૃષિ ડ્રોન દ્વારા  પ્રવાહી નેનો યુરિયાના છંટકાવની ટ્રાયલ રન માણસામાં હાથ ધરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર ગુજરાત સહિત સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલેજીને પ્રોત્સાહન આપવા તથા આ ટેકનોલોજી લાભાર્થીઓને વાજબીભાવે ઉપલબ્ધ કરાવવા માર્ગદર્શિકા જાહેર કરી હતી. ખેડૂતો માટે ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિની નવી ટેકનિકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ ડ્રોન પણ ખેતીના આધુનિક સાધનો પૈકી એક છે, જેના કારણે ખેડૂતોને ઘણી રાહત મળી રહી છે. કારણ કે ડ્રોનની મદદથી જંતુનાશક કે દવાઓનો છંટકાવ માત્ર થોડા કલાકોમાં જ મોટા વિસ્તારમાં કરી શકાય છે. આ નવી ટેકનિકથી ખેડૂતોનો ખર્ચ ઘટશે, સમયની બચત થશે અને સૌથી મોટો ફાયદો એ થશે કે યોગ્ય સમયે ખેતરોમાં જંતુ વ્યવસ્થાપન કરી શકાશે.

કૃષિમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, સબ–મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઈઝેશન યોજના કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આઈસીએઆર સંસ્થાઓને કૃષિ ડ્રોનની ખરીદી, ભાડે રાખવા અને પ્રદર્શનમાં મદદ કરીને આ ટેકનોલોજીને સસ્તું બનાવવા માટે શરૂઆત કરી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય  કૃષિ યુનિવર્સિટીઓને ભંડોળની માર્ગદર્શિકા જાહેર કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  ખેડૂતોને ડ્રોનના ઉપયોગ માટે ડ્રોન ખરીદવા માટે 100% ગ્રાન્ટ અથવા 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવાનો વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. એટલું જ નહીં ખેડૂત ઉત્પાદક સંગઠનોને ડ્રોન ખરીદવા માટે 75 ટકા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. આ નાણાકીય સહાય 31 માર્ચ, 2023 સુધી અમલમાં રહેશે. નિદર્શન માટે ડ્રોન ભાડે આપતી એજન્સીઓને આકસ્મિક ખર્ચ તરીકે પ્રતિ હેકટર . 6000 આપવામાં આવશે. જ્યારે ડ્રોન ખરીદતી એજન્સીઓને આકસ્મિક ખર્ચ તરીકે પ્રતિ હેકટર 3000 રૂપિયા આપવામાં આવશે. (file photo)