ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર
અમદાવાદઃ ભારતનેટ પ્રોજેકટ અંતર્ગત દેશના 2.5 લાખથી વધુ ગામડાઓને ઓપ્ટિકલ ફાઈબર કેબલથી જોડી વિશ્વનું સૌથી મોટું ગ્રામીણ બ્રોડબેન્ડ નેટવર્ક ઊભું કરવાનું આયોજન છે. ગુજરાતમાં ભારતનેટ પ્રોજેકટ ફેઝ-1ની કામગીરી ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. જ્યારે ફેઝ-2 નું અમલીકરણ રાજ્ય સરકાર હસ્તકની કંપની “ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ” દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ ફેઝ-2 અંતર્ગત 7996 ગ્રામપંચાયતો, તાલુકા અને જિલ્લા કેન્દ્રોના લક્ષ્યાંક સામે 7976નું જોડાણ કરી 100 MBPSની ઝડપ વાળું ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવેલ છે. જેની ક્ષમતા ભવિષ્યમાં 10 ગણી વધારી 1 GBPS સુધી પણ કરી શકાશે.
રાજયમાં હાલમાં ફેઝ-2 પ્રોજેકટ અંતર્ગત 35 હજાર કિમી થી વધુ લંબાઈના અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવામાં આવ્યા છે. ભારતનેટ ફેઝ-2 નું અમલીકરણ 9 રાજ્યોમાં સ્ટેટલેડ મોડેલ થી કરવામાં આવી રહ્યું છે. ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે 99.97 % ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ કનેક્ટિવિટી આપી ગુજરાત આ રાજ્યોમાં સૌથી આગળ છે. છેવાડાના નાગરિકને ઘરે બેઠા નગરિકલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે ભારતનેટ નેટવર્કના માધ્યમથી ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં હાલ 11 વિભાગોની 312 જેટલી સેવાઓ 14 હજારથી વધુ ગ્રામપંચાયતો દ્વારા સુલભ છે. જે અંતર્ગત 70 લાખ થી વધુ નાગરિકોની અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. ગુજરાતનું દરેક ગામ ડિજિટલ ગામ બને તે હેતુથી વાઈફાઈ (Wi-Fi), ઇ-લર્નિંગ, ટેલિ મેડિસિન જેવી સેવાઓ પૂરી પાડવા સહિત ભવિષ્યમાં નાગરિકોને ઘરે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોચડવાની વિચારણા ચાલી રહી છે.
(PHOTO-FILE)