અમદાવાદઃ ગુજરાત સિંહ સહિતના અનેક પ્રાણીઓ વિવિધ અભ્યારણ અને જંગલોમાં વસવાટ કરી રહ્યાં છે, એટલું જ નહીં દર પાંચ વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. છેલ્લી વખત વર્ષ 2016માં કરવામાં આવી હતી જો કે, કોરોના મહામારીને પગલે વર્ષ 2021માં ગણતરી શક્ય બની ન હતી. જેથી હવે દીપડા અને તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. તેમજ દીપડાની વસતીમાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે.
ઉનાળાની ગરમીમાં કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ ગયા હોય જેથી મોટાભાગના વન્ય પ્રાણીઓ કૃત્રિમ પાણીના પોઇન્ટ પર જ નિર્ભર હોય છે. જેને કારણે વન વિભાગે ઉનાળાની સિઝનમાં વન્યપ્રાણીઓની ગણતરી કરે છે. કારણ કે ગણતરી દરમિયાન મોટાભાગના પ્રાણીઓની ગણતરી કરી શકાય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં કમોસમી ધોધમાર વરસાદ આવે છે. એટલે વન વિભાગની ગણતરી પર પાણી ફરી વળ્યું છે.
અગાઉ નિર્ધારિત સમય મુજબ વન વિભાગે દીપડા અને તૃણભક્ષી પ્રાણીઓની ગણતરીનો પ્રારંભ કર્યો છે. વર્ષ 2016માં ગણતરી દરમિયાન સમગ્ર ગુજરાતમાં 1395 દીપડા નોંધાયા હતા. દર 5 વર્ષે દીપડાઓની ગણતરી થાય છે પરંતુ કોરોનાના કારણે 7 વર્ષ બાદ ગણતરી કરવામાં આવી છે. જો કે આ વર્ષની ગણતરીમાં દીપડાઓની સંખ્યામાં ખૂબ મોટો વધારો થવાની શક્યતા છે.
સમગ્ર એશિયામાં સાવજો માત્ર ગુજરાતના ગીર જંગલમાં વસવાટ કરે છે, હાલ રાજ્યમાં 600થી વધારે વનરાજો છે. બીજી તરફ દીપડાની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત અન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થવાની આશા વ્યક્ત થઈ રહી છે.