Site icon Revoi.in

ગુજરાતમાં ચૈત્રમાં અષાઢી મહાલો, અમદાવાદ સહિત અનેક શહેરોમાં હળવો વરસાદ

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં માર્ચ મહિનામાં જ ઉનાળાનો પ્રારંભ શરૂ થાય છે, હાલ ચૈત્ર મહિલો ચાલી રહ્યો છે અને ચૈત્ર મહિનામાં સામાન્ય રીતે કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચૈત્રમાં અષાઢી મહાલો જામ્યો હોય તેમ લાગી રહ્યું છે.  ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને વચ્ચે આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર હળવો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં માર્ચ મહિનામાં સતત ત્રીજી વાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં હતા. દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર, જોધપુર, વેજલપુર, બોપલ, ચાંદખેડા, નરોડા અને નવરંગપુરાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાળું વાતાવરણ રહ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો હતો, સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન ઉત્તર ગુજરાતમાં અનેક શહેરો-નગરોમાં આકાશમાં વાદળછાયું રહ્યું હતું. બનાસકાંઠામાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને પગલે ઘઉં, વરિયાળી, દિવેલ સહિતના પાકોને નુકસાન થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા બે દાયકામાં ચાલુ વર્ષે માર્ચ મહિનામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક નુકશાન થયાની ભિતી સેવાઈ રહી છે. ગીરમાં સુપ્રસિદ્ધ કેસર કરીને પણ માવઠાને કારણે અસર થઈ છે. કેસર કેરીના પાકને લગભગ 40 ટકા નુકશાન થવાની આ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.