Site icon Revoi.in

ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના એલ.સીમાં હવે માસ પ્રમોશન નહીં લખાય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ ધો-10ના વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, શિક્ષણ વિભાગના આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે. જેથી વિવાદ વધુ ના વકરે તે માટે ધો-10ના વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશનને બદલે હવે માધ્યમિક શિક્ષણ પૂર્ણનો ઉલ્લેખ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે બોર્ડની ધો-10 અને ધો-12ની પરીક્ષા નહીં યોજવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ધો-1થી 9 તથા 11ના વિદ્યાર્થીઓને પહેલા જ માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, છેલ્લા કેટલાક દિવસથી માર્કશીટ અને એલ.સીને લઈને વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયાં છે. દરમિયાન સરકારે ધો-10ના વિદ્યાર્થીઓના એલ.સીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્રીજી જુને જાહેર કરેલા નિયમોમાં એલસી આપતા રીમાર્કસના ખાનામાં ધોરણ ૧૦ની પરીક્ષા માસ પ્રમોશનથી જાહેર થયેલ છે તેમ લખવાનું રહેશે તેવી સૂચના આપી હતી. ધો.૧૦ બાદ વિદ્યાર્થી તે જ સ્કૂલમાં ધો.૧૧મા જાય તો પણ નિયમ મુજબ એલસી આપવાનું રહેશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને એલસી આપવાનું થતુ હોય એક સાથે તમામને માસ પ્રમોશન આપ્યાનો ઉલ્લખ થાય તો મુશ્કેલી થાય તેમ છે. આ મુદ્દે ભારે વિવાદ થતા અને માસ પ્રમોશનના ઉલ્લેખથી વિદ્યાર્થીને નુકશાન થતુ હોવાનું હવે સરકારને ધ્યાને આવતા શિક્ષણવિદોના સૂચનો બાદ હવે સસરકારે નિર્ણય બદલ્યો છે.

સરકારની મંજૂરીથી બોર્ડે આ મુદ્દે તમામ ડીઈઓને નવો પરિપત્ર કરી ખાસ સૂચના આપી છે કે હવે લિવિંગ સર્ટિફિકેટ-એલ.સીમાં રીમાર્કસના ખાનામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવુ દર્શાવવાનું રહેશે.