અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુસીને વરસી રહ્યાં છે. ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. 24 કલાકમાં 33 પૈકી 32 જિલ્લાના 219 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી બારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. જો કે, હજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ નહીં થયો હોવાથી ખેડૂતો ચિંતિત બન્યાં છે.
સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પડ્યો છે. દરમિયાન આજે સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને હેત વરસાવી રહ્યા છે. પશ્ર્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન પર સર્જાયેલું લો-પ્રેશર, ગુજરાતથી મહારાષ્ટ્રના દરિયા કિનારે ઓફશોર ટ્રફ અને મોનસૂન નોર્મલ દિશાથી દક્ષિણ તરફ હોવાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.
ગુજરાતમાં સાર્વત્રિક મેઘકૃપા વરસી હતી. હજી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય, અષાઢમાં અનારાધાર હેત વરસાવી મેઘરાજા જૂન માસની ખાધ પૂરી કરી દે તેવું લાગી રહ્યું છે. 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 219 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સવાર સુધીમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સાત ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જો કે આજે સવારથી સુત્રાપાડામાં અનારાધાર હેત વરસાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે.