ગુજરાતમાં રવિવારથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વદારો થયો છે. જો કે, રવિવારથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. અરબી સમુદ્રમાં નૈઋત્યનું ચોમાસુ મજબુત બનતા અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાનું હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રવિવારે દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ, તાપી, સુરત અને ભરૂચ જિલ્લામાં તોફાની પવન અને મેઘ ગર્જના સાથે ભારે વરસાદ પડવાની શકયતા છે. આ ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર્ર-કચ્છા તથા દીવ-દમણ, દાદરાનગર હવેલી વિસ્તારમાં પણ હળવોથી મધ્યમ વરસાદ અમુક સ્થળોએ પડશે. પવનની ગતિ સરેરાશ 40 કિ.મી.ની આસપાસ રહેશે અને વીજળીના ચમકારા તથા મેઘ ગર્જના પણ થશે. સોમવારે સૌરાષ્ટ્ર્રમાં બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે.
આ ઉપરાંત ગુજરાતમાં આણંદ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્ર્ર-કચ્છ અને દીવના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. મુંબઈ અને થાણેમાં આગામી શનિવાર-રવિવાર દરમિયાન ભારે વરસાદને ધ્યાનમાં રાખી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અરબી સમુદ્રમાં નૈઋત્યનું ચોમાસુ વધુ મજબૂત થયું હોવાના કારણે દેશના પશ્ચિમ વિસ્તારના દરિયાકાંઠાના ભાગોમાં તારીખ 9 થી 11 દરમિયાન રેઇનફોલ એકિટવિટી વધી જશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.