Site icon Revoi.in

ગુજરાતના ધારાસભ્યોને પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખ આરોગ્ય સાધનોની ખરીદી માટે ફાળવવી પડશે

Social Share

ગાંધીનગર:  કોરોનાના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ. પ૦ લાખની રકમ ફરજિયાત ફાળવવાની રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ-કોવિડ ના સંક્રમણ નિયંત્રણ તથા સારવાર-સુશ્રુષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાંઓને વધુ સઘન અને વ્યાપક બનાવવાના જનહિત આરોગ્યલક્ષી અભિગમથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાને  એવો પણ નિર્ણય કર્યો છે કે, આ હેતુસર ધારાસભ્યો જરૂરિયાત મુજબ પોતાની સંપૂર્ણ MLA ગ્રાન્ટનો ઉપયોગ પણ કરી શકશે. રાજ્યના જનપ્રતિનિધિઓએ આ રકમમાંથી સિવિલ હોસ્પિટલો, અન્ય સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો દવાખાનાઓમાં કોરોના-19ની પ્રવર્તમાન સ્થિતિમાં તેની સારવાર-નિયંત્રણના અદ્યતન સાધનો-મશીનો ખરીદવા માટે ઓછામાં ઓછા રૂ. પ૦ લાખ ફરજિયાત ફાળવવાના રહેશે. અગાઉ ધારાસભ્યો પોતાની આવી ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મત ક્ષેત્રમાં આરોગ્ય સાધનોની ખરીદી માટે કરતા હતા તે હવે, પ્રવર્તમાન કોવિડ-19 ની સ્થિતિમાં પોતાના જિલ્લાની સિવિલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ માટે પણ કરી શકશે. એટલું જ નહિ, ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ જે સેવાભાવથી અને નહિ નફો નહિ નુકશાનના ધોરણે ચાલતી હોય તેવી હોસ્પિટલો માટે પણ કોવિડ-19ની સ્થિતિમાં રૂ. પ૦ લાખની મર્યાદામાં ટ્રસ્ટના ફાળા વિના ધારાસભ્યશ્રીઓની ગ્રાન્ટમાંથી અદ્યતન સાધન-સામગ્રીની ખરીદી થઇ શકશે. ધારાસભ્યઓ ની ઓછામાં ઓછી રૂ. પ૦ લાખની આ ગ્રાન્ટમાંથી જે સાધન-સામગ્રી કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટે ખરીદી શકાશે તેમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર- ૧૦ લીટર, હાઈ ફ્લો ઓક્સિજન થેરાપી ડિવાઇસ, બાઇ-પેપ મશીન, મલ્ટી પેરા મોનિટર, સિરિંજ ઇન્ફ્યુઝન પમ્પ (૧૦,ર૦,પ૦ એમ.એલ), લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક (૬૦૦૦ લીટર) અને પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પશન -પી.એસ.એ. ઓક્સિજન (Oxygen) જનરેશન યુનિટ (૨૫૦ અને ૫૦૦ લીટર)નો સમાવેશ થાય છે.