અમદાવાદઃ રાજકોટ જૂના એ.પી.એમ.સી. ખાતેથી કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ખરીફ પાકો મગફળી, સોયાબીન, અડદ અને મગ જેવા ખરીફ પાકોના ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટથી કૃષિ જણસોના ટેકાના ભાવની રાજ્ય વ્યાપી ખરીદીનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનો ખેડૂત સમૃદ્ધ બને ત્યારે તેમની આવક બમણી કરવા અને દેશના ખેડૂતોને તેઓની ઉત્પાદિત થતી જણસીઓના તેઓને પોષણક્ષમ ભાવો મળે તે માટે ભારત સરકારની લઘુત્તમ ટેકાના ભાવની નીતિનો અમલ કરવામાં આવે છે. ભારતને મહાસત્તા બનાવવામાં ભારતનું સૌથી મોટું રોજગાર ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર છે ત્યારે તેના ખેડૂતોને ઉત્પાદન ક્ષેત્રે કોઈ નુકસાની ન થાય તેની સરકાર દરકાર લઇ રહી છે. વર્ષ 2023-24 માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અન્વયે ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારની માંગણી મુજબ મગફળી માટે 9.98 લાખ મે.ટન, સોયાબિન માટે 91343 મે.ટન, મગ માટે 9000 મે.ટન તથા અડદ માટે 53000 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા તા. 25મી સપ્ટેમ્બરથી તા. 16મી ઓક્ટોબર 2023 સુધી ખેડૂતોની નોંધણી કરવા ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત શરૂ કરવામાં આવેલ હતી, જેમાં તા. 16મી ઓક્ટોબર સુધીમાં મગફળી માટે ૩૫૫૮૫ ખેડૂતો, સોયાબીન માટે 23316 ખેડૂતો, મગ પાક માટે 95 ખેડૂતો અને અડદ પાક માટે 62 ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ છે. આમ છતાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી થયેલ ખેડૂતોની સંખ્યા અને ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ચારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ આગામી તા. 31મી ઓક્ટો. સુધી લંબાવવામાં આવેલ છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે ખેતીના બજાર ભાવો પર આંતરરાષ્ટ્રીય ભાવોની પણ અસર પડતી હોય છે ત્યારે ખેડૂતો પરંપરાગત ખેતીના બદલે નવી આધુનિક પદ્ધતિઓ, શોધો, બિયારણો સાથે જ પાકની માંગ અનુસાર તેનું વાવેતર કરશે તો તેઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમના પાકોના ભાવો ખૂબ સારા મળી શકશે. સરકાર દ્વારા ખેડૂતોના પાકોને મૂલ્ય વર્ધન કરી ખેડૂતોને તેના પાકના સારા ભાવો આપતા આવા કૃષિ ક્ષેત્રના મૂલ્યવર્ધિત યુનિટો પણ વધુ સ્થપાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ માટે ખેતી ક્ષેત્રે પ્રવૃત્તિ કરતા આવા ઉદ્યોગોને ઇન્ડેક્સ-એ અંતર્ગત સરકાર ખાસ મદદરૂપ બની રહી છે.
વળી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અન્વયે આંતરરાષ્ટ્રીય સ્તરે મિલેટ્ની માંગ વધી છે તો આવા ધાન્યોનું વધુમાં વધુ વાવેતર ગુજરાતનો ખેડૂત કરે તો તેના ભાવો મેળવી તે સક્ષમ બની શકશે. આ સાથે જ મંત્રીએ પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વાસ્થ્યપ્રદ અન્ન અને ગુણવત્તાલક્ષી ઉત્પાદન અને તેના ગુણવત્તાલક્ષી બજાર ભાવો વિશે વધુ માહિતી આપી હતી. આ પ્રસંગે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ખેડૂતોની જણસી તૈયાર થઈ જાય ત્યારબાદ ટેકાના ભાવો જાહેર કરવામાં આવતા હતા જે કારણે પણ ખેડૂતોને પૂરતા ભાવો મેળવવામાં નુકસાન જતું જ્યારે આજે ખેડૂતો વાવેતર કરે તે પહેલા જ તેના ટેકાના ભાવો જાહેર કરાય છે જેના થકી ખેડૂતોને જણસીના વાવેતર અંગે પણ માર્ગદર્શન મળી રહે છે.