અમદાવાદઃ RTE એક્ટ-2009 પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. 04મી મે અને બીજો રાઉન્ડ તા. 29મી મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બંન્ને રાઉન્ડમાં 59,869 જેટલા બાળકોને પ્રવેશ અપાયો હતો. જેમાંથી 51,520 જેટલા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલી શાળાઓમાં પ્રવેશ નિયત કરી લીધો છે. RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજા રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વધુ 1,386 જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.30/06/2023, શુક્રવાર સુધીમાં સંબંધિત શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે.
સુત્રોના જણાવ્યા અનુસાર RTE ACT-2009 ની કલમ 12.1(ક) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે પ્રથમ અને બીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી 31,609 જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પુનઃ પસંદગીની તક આપવામાં આવી હતી. પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા 8,319 અરજદારોને શાળાઓની તા. 19/06/2023 થી તા. 21/06/2023 દરમિયાન પુનઃ પસંદગીની તક આપવામાં આવી હતી. આ સમયગાળામાં એકંદરે કુલ 3,487 અરજદારોને શાળાઓની પુનઃ પસંદગી કરી હતી, જ્યારે બાકીના 4,832 અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી તેમ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.