અમદાવાદઃ ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટીની બંધારણીય સમિતિના સ્થાયી સભ્યોની બેઠક મળી હતી. તજજ્ઞતા અને ટેક્નોલોજીના સમન્વયથી ગુજરાતના બાગાયત ક્ષેત્રનો વૈશ્વિક સ્તરે સંકલીત વિકાસ થાય તેવ શુભ આશયથી “ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી”ની સ્થાપના કરવામાં આવી હતી.
આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે વાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત હોર્ટિકલ્ચર નોલેજ સોસાયટી દ્વારા બાગાયત ક્ષેત્ર સાથે સંકળાયેલ 14600થી વધુ બાગાયતદારો, જમીન વિહોણા ખેતમજૂરો, યુવાનો અને શહેરીજનોને કૌશલ્ય વર્ધન અને અર્બન હોર્ટીકલ્ચર અંગેની તાલીમ આપવામાં આવશે. હાલમાં રાજ્યનો બાગાયતી પાકો હેઠળનો વાવેતર વિસ્તાર 19.60 લાખ હેક્ટર અને બાગાયત ક્ષેત્રનું ઉત્પાદન 226.44 લાખ મે.ટન છે. જેમાં વધારો કરી ખેડૂતોની આવક તથા શહેરીજનોમાં ન્યુટ્રીશન સીક્યુરીટી પૂરી પાડવા ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી અગત્યની સંસ્થા તરીકે કામગીરી કરશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, બાગાયત ખાતા હેઠળની 23 નર્સરીઓ, 18 મહિલા તાલીમ અને કેનિંગ કેન્દ્રો તથા 13 સેન્ટર ઓફ એકસેલેન્સ સહિત ભવિષ્યમાં ઉભા થનાર નવા કેન્દ્રોનું સંચાલન ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટીના એક જ છત્ર હેઠળ કરવામાં આવશે. જેથી બાગાયત વિકાસ કાર્યક્રમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેમજ ખેડૂતોને બાગાયત ક્ષેત્રે નવી ટેકનોલોજી, ગુણવત્તાયુક્ત પ્લાન્ટીંગ મટેરીયલ્સ અને કૌશલ્ય વર્ધન તાલીમો પૂરી પાડી ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી રાજ્યના વિકાસમાં નોંધપાત્ર કામગીરી કરશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી દ્વારા બાગાયતી પાકોના ઉચ્ચ ગુણવત્તા યુક્ત કલમો તૈયાર કરવા, ફળ-શાકભાજી પરીક્ષણ માટે મહિલાઓને તાલીમ આપવી, કિચન ગાર્ડન અને શહેરી બાગાયત વિકાસ માટે બિયારણ, ખાતર વિતરણ કરવું, ટેકનોલોજીનો બાગાયતી ક્ષેત્રમાં ઉપયોગ માટે જરૂરી નિદર્શનો ગોઠવવા, ટેકનોલોજીનો ઉપયોગને પ્રોત્સાહન આપવું અને કૌશલ્ય વર્ધન માટે યુવાઓને તાલીમ આપવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે.