ગુજરાતઃ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 22.15 લાખથી વધારે લોકોને કોરોનાની રસીથી કરાયા સુરક્ષિત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિક્સિનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં રેકોર્ડ બ્રેક 2.50 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં પણ એક દિવસમાં રેકોર્ડબ્રેક 22.15 લાખ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં હતા.
રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. રાજ્યવ્યાપી આ રસીકરણનો શુભારંભ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી અને આરોગ્ય મંત્રી રૂષિકેશ ભાઈ પટેલે સિક્કા જામનગર ખાતેથી કરાવ્યો હતો. રાજ્યવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં રાતના 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા છે. વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ માટે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી આ મેગા ડ્રાઈવને સફળ કરવામાં આવી છે.
ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં રેકોર્ડબ્રેક 1.51 લાખ લોકોને રસી મૂકવામાં આવી હતી. મહાઅભિયાનના ભાગરૂપે પ્રત્યેક સેકન્ડે ત્રણ વ્યક્તિને કોરોનાની રસી મૂકવામાં આવી હતી. આરોગ્ય કર્મીઓએ 700 સાઈટ પર સવારે આઠ વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી રસીકરણની કામગીરી કરી હતી.
મ્યુનિ. આરોગ્ય અધિકારી ડૉ.ભાવિન સોલંકીએ કહ્યું કે, સાંજે 8 વાગ્યા સુધીમાં 1.51 લાખ લોકોને રસી મૂકવામાં આવી છે. વેક્સિનેશનનું કામ રાત્રે 12 વાગ્યા સુધી ચાલ્યું હતું. આમ રસીકરણનો આંક દોઢ લાખથી વધવાની શક્યતા છે. અમદાવાદ મ્યુ. કોર્પો. હદ વિસ્તારમાં અત્યાર સુધી 37 લાખ લોકોને રસીનો પ્રથમ અને 17 લાખને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં બાળકો માટે પણ રસી ઉપલબ્ધ થઈ જશે. હાલ બાળકોની રસીને લઈને અંતિમ તબક્કાનું પરિક્ષણ ચાલી રહ્યું છે. લગભગ ઓક્ટોબર મહિનામાં 12થી 18 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ કોરોનાની કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.