અમદાવાદઃ આફ્રિકન દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ મળી આવતા દુનિયાભરમાં ભયનો માહોલ ફેલાયો છે. ભારત સરકારે પણ અગમચેતીના પગલા ઉઠાવ્યાં છે. વિદેશની આવતા તમામ પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર ફરજીયાત કોરોના ટેસ્ચ કરવામાં આવે છે. દરમિયાન હાઈરિક્સ જાહેર કરાયેલા દક્ષિણ આફ્રિકા અને યુ.કે સહિતના દેશોમાંથી બે દિવસમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને કચ્છ એમ ચાર જિલ્લામાં 220 જેટલા પ્રવાસીઓ આવ્યાં છે. કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન અનુસાર આ પ્રવાસીઓને સાત દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. તેમજ ક્વોરન્ટાઈન પિરિયડનો ચૂસ્ત અમલ કરાવવા જિલ્લા, મહાનગર વહિવટી તંત્રને મોનિટરીંગ કરવાની સુચના આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એરપોર્ટ ઉપર ઉતરનારા તમામ વિદેશી પ્રવાસીઓનો ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવે છે. રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતા સુરક્ષાના કારણોસર તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. અમદાવાદમાં 54 , કચ્છમાં નવ , સુરતમાં 23 અને રાજકોટ જિલ્લામાં 134 પ્રવાસી વિદેશથી આવ્યા છે . રાજકોટમાં 7 પ્રવાસીઓ યુકે અને સાઉથ આફ્રિકાથી આવ્યા છે. તમામને પોતાના ઘરે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. વિદેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓ માટે ફ્લાઈટમાં ડિપાર્ચર પૂર્વેના 72 કલાકમાં થયેલા RT- PCR માં નેગેટિવ રિપોર્ટ ફરજિયાત છે. કોવિડ – 19 મહામારી નિયંત્રક સમુહ સાથે કામ કરી રહેલા તબીબે કહ્યુ કે, 72 – 94 કલાક પહેલા RT- PCR નેગેટિવ હોય એટલે ભારતમાં તે ફરી વખત ટેસ્ટ નેગેટિવ જ આવે. પરંતુ , તેનાથી વિદેશમાંથી આવેલી વ્યક્તિ ચેપગ્રસ્ત નહી હોય તેમ માની લેવાની જરૂર નથી. જેથી સુરક્ષાના કારણોસર તેમના ટેસ્ટ કરવામાં આવે છે.
(PHOTO-FILE)