Site icon Revoi.in

ક્યાંથી ભણશે ગુજરાત, ગ્રાન્ટેડ શાળાઓમાં 3000થી વધુ આચાર્યોની જગ્યાઓ ખાલી, CMને રજુઆત

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે શિક્ષણ વિભાગ છેલ્લા ઘણા સમયથી નિરસ બન્યુ છે. ગ્રાન્ટેડ શાળાઓને વર્ગ વધારવાની મંજુરી પણ આપવામાં આવતી નથી. સરકારના ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે ઓરમાયા વર્તનને લીધે હવે શાળા સંચાલકો પણ કંટાળી ગયા છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 3000 આચાર્યોની જગ્યા ખાલી પડી છે. શિક્ષણ વિભાગ દ્વારા 5 વર્ષથી HMATની પરીક્ષા લેવામાં આવતી નથી. આ વર્ષે ચૂંટણી પહેલા જ શિક્ષણ વિભાગ પરીક્ષાની તારીખ જાહેર કરી દિવાળી સુધીમાં ભરતી કરે તેવી સંચાલક મંડળે માંગણી કરી છે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, 2011થી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની સત્તા સરકારે પોતાના હસ્તક લઇ લીધી છે.2017માં HMATની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યાર બાદ HMATની પરીક્ષા લેવામાં આવી નથી. 3000 આચાર્યની જગ્યા સામે 8000 ઉમેદવારોએ અરજી કરી છે. 2500 જેટલા ઉમેદવારોની શૈક્ષણિક અને અનુભવના પ્રમાણપત્રોની ચકાસણી પણ હજુ બાકી છે. નોકરી મળ્યા બાદ પ્રમાણપત્રોની ચકાસણી થતી હોય છે. પરંતુ HMATની પરીક્ષા પહેલાં જ ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી છે. સરકારના અધિકારીઓ ફાઇલ પર રોજ નવી બાબતો દાખલ કરીને રાજ્ય સરકારની કામગીરીને નબળી પાડી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં પરીક્ષા જાહેર કરીને લેવામાં આવે તથા સમય બગાડ્યા વિના પરિણામ જાહર કરવામાં આવે તેવી માગ ઊઠી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની જ જગ્યાઓ ખાલી છે. તેને લીધે શિક્ષણ પર અસર પડી રહી છે. શાળા સંચાલક મંડળે અગાઉ રાજ્યના શિક્ષણ મંત્રીને પણ રજુઆતો કરી હતી. પણ કોઈ નિર્ણય લેવાતો નથી.