- રાજ્યમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાયો
- કચ્છમાં 136 અને સૌરાષ્ટ્રમાં 110 ટકા વરસાદ વરસ્યો
- સૌથી ઓછો ઉત્તર અને મધ્ય ગુજરાત વરસાદ નોંધાયો
- પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65 અને ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો
- રાજ્યમાં સારા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક
અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે, તા. 16થી 18મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા મનમુકીને વરસ્યા છે, જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 110 ટકા, ઉત્તર ગુજરાતમાં 67 ટકા, દક્ષિણ ગુજરાતમાં 72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 65 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે, કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે અને લાખો હેકટરમાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 16થી 18મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.