Site icon Revoi.in

દેશમાં કુદરતી આફતથી ગુજરાતને સૌથી વધારે અસરઃ 1.49 લાખ હેકટર જમીનમાં નુકશાન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગયા વર્ષે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લામાં ખેતરો ધોવાતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત વાવાઝોડાને કારણે ચાલુ વર્ષે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ મુદ્દો લોકસભામાં પણ ગુંજ્યો હતો. કુદરતી આફતથી સમગ્ર દેશમાં ખેતી લાયક જમીનમાં સૌથી વધુ નુકસાન ગુજરાતને થયાનું કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં જણાવ્યું હતું.

લોકસભાનાં ચોમાસા સત્રમાં અલગ-અલગ સાંસદોએ કૃષિ મંત્રાલયને દેશમાં પુર અને વાવાઝોડા સહિતની આફતોથી કૃષિ લાયક જમીનને કેટલું નુકસાન થયું તે અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ અંગે કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે, સૌથી વધુ નુકસાન ગુજરાતની 1.49 લાખ હેક્ટર જમીનને થયું છે. આ નુકસાન તૌકતે વાવાઝોડાના કારણે થયું હતું.

દરમિયાન ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં માત્ર અમરેલી, ગીર-સોમનાથ અને જુનાગઢમાં જ 3.04 લાખ હેક્ટર જમીનમાં ઉનાળુ પાકને નુકસાન થયું હતું. તેમજ બાગાયતી પાક, ભાવનગરમાં કેરીનો પાક, વડોદરા અને ભરૂચ અને એ સિવાયના અનેક વિસ્તારોમાં નુકસાનના આંકડાઓ રાજ્ય સરકાર રજુ કરી રહી છે. ગુજરાતમાં ખરા અર્થમાં 6 લાખ હેક્ટર કરતા પણ વધારે નુકસાન થયું હતું.