Site icon Revoi.in

ગુજરાતઃ ખરીદદારો, વેચાણકારોને ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ONDP અને સરકાર વચ્ચે MoU

Social Share

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટ-2024ના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ‘ઈ-કોમર્સ: બિઝનેસ ઓન ફિંગરટીપ્સ’  અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ખરીદદારો, વેચાણકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ઓ.એન.ડી.પી, (ONDP) વતી ચીફ બિઝનેસ ઓફિસર શિરીષ જોષી અને ગુજરાત સરકાર વતી અધિક ઉદ્યોગ કમિશનર કુલદીપ આર્ય વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા.

આ સેમિનારમાં મંત્રી હર્ષ સંઘવીએ આ ક્ષેત્રે ઉદ્યોગકારોનું ગુજરાતમાં સ્વાગત કરતા જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાતના 10માં સંસ્કરણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો છે જેનાથી રાજ્યમાં વિપુલ પ્રમાણમાં નવી રોજગારીની તકોનું નિર્માણ થશે. વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશીતા અને ગુજરાતીઓની છેલ્લા 20 વર્ષના સખત પરિશ્રમને આભારી છે. તેમણે જમ્મુ- કાશ્મીર રાજ્ય સાથે યોજાયેલા સેમિનારનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતુ કે, હવે જમ્મુ- કાશ્મીરમાં પણ વિકાસની નવી શરૂઆત થઈ છે.