Site icon Revoi.in

વિકાસ તરફ ગતિ કરતું ગુજરાત, સીએમ રૂપાણીએ હવે પેપરલેસ ગવર્નન્સ માટે પગલું ભર્યુ

Social Share

અમદાવાદ : દેશમાં દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરતા રાજ્ય એવા ગુજરાતમાં હવે વધારે એક સુધારો થવા જઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં પગલું ભર્યું છે અને આ પગલાનો ફાયદો મોટી સંખ્યામાં લોકોને થશે.

રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. અને તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેબસાઇટ egazette.gujarat.gov.in નું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ હતું.

જાણકારોના કહેવા મુજબ મુખ્યમંત્રી રૂપાણીના આ પ્રકારના પગલાથી વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે. પરિણામે અંદાજે સરેરાશ વાર્ષિક ૩પ મેટ્રિક ટન પેપરની બચત થશે તથા કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે.

ઇ-ગેઝેટની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે. ગેઝેટની વેબસાઇટ ઉપર તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે.

હાલ રાજ્યમાં 30 વર્ષના જૂના ગેઝેટ ઉપલબ્ધ છે તે ત્વરાએ વેબસાઈટ ઉપર  એક માસમાં  ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીએ વિભાગને સૂચન કર્યુ હતું. ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી હવે મુક્તિ મળશે અને સાથે જૂના ગેઝેટને પણ ક્રમશ: વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તે પણ વેબસાઇટ પર સરળતાએ મળી રહેશે.

નાગરિકો, અરજદારો,સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે. આ ઉપરાંત રાજ્ય સરકારના તમામ વિભાગોના ગેઝેટ માટે ફકત એક જ –સેન્ટ્રલાઇઝડ વેબસાઇટ તરીકે તમામ માહિતી પૂરી પાડી શકાશે.