અમદાવાદઃ ગુજરાતમાં અંદાજીત રૂ. 72 હજાર કરોડના ખર્ચે નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. કચ્છ શાખા નહેરનું વિતરણ માળખું, મીસીંગ લીંક, સબમાઈનોર પઈપલાઈન ની બાકી રહેલી કામગીરી 6 ટકા જેટલી છે. તે વર્ષ 2022-23માં પૂર્ણ કરવાના સંકલ્પ સાથે બજેટમાં રૂ. 3020 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કચ્છ વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજનના ભાગરૂપે પ્રથમ તબક્કા હેઠળ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાઓના કામો માટે રૂ. 4369 કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના 6 તાલુકાના અંદાજે 1.14 લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે બજેટમાં રૂ. 272 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સૌની યોજનાની કુલ 1371 કિમી લંબાઈ પૈકી આશરે 1150 કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થયેલ છે. પૂર્ણ થયેલ કામગીરીથી 53 જળાશયો, 131 કરતાં વધુ તળાવો અને 863 કરતાં વધુ ચેકડેમોમાં આશરે 40600 મિલિયન ઘનફૂટ નર્મદાના પાણી ભરવામાં આવેલ છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોમાં પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરવા અને પાણીની સમસ્યાઓનો મહદઅંશે ઉકેલ લાવવા આ વર્ષના અંદાજપત્રમાં રૂ. 710 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સુજલામ સુફલામ યોજના હેઠળ 12 પાઇપલાઇન થી હાલમાં બે કિ.મી.ની મર્યાદામાં આવતા 737 તળાવો જોડવામાં આવેલ છે. આ અંગે ખેડુતોની રજૂઆતોને લક્ષમાં લઈ રાજય સરકારે પાઇપલાઇન થી ત્રણ કિ.મી.ની મર્યાદામાં આવતા વધારાના 295 તળાવોનું જોડાણ કરી ભરવા માટે તથા ગાંધીનગર અને મહેસાણા જીલ્લાના ત્રિકોણીયા વિસ્તારમાં તળાવો જોડી પુરક સિંચાઈનો લાભ આપવાની કામગીરી માટે રૂ. 32 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ચોમાસા દરમ્યાન સાબરમતી નદીમાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા સીરીઝ ઓફ સ્ટ્રકચર્સ ની કામગીરી અંતર્ગત ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં ફતેપુરા, ટેંચાવા, ફુદેડા, ફલુ અને માધવગઢ ગામો પાસે બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ. 9 કરોડની જોગવાઈ રાખવામાં આવેલ છે. આ કામગીરી પૂર્ણ થયેથી પાણીનો સંગ્રહ થવાથી ધરોઇ થી સંત સરોવર – 80 કિ.મી. લંબાઇના પટ્ટામાં સાબરમતી નદી જીવંત રહેશે. ઉત્તર ગુજરાત વિસ્તારમાં ઊંડા ગયેલા ભુગર્ભ જળના તળ ઉંચા લાવવા તથા પૂરક સિંચાઇ માટે ખુબ જ મહત્વની સુજલામ સુફલામ યોજના અંતર્ગત સ્પ્રેડીંગ નહેરમાં પૂર્ણ વહન ક્ષમતાથી પાણી વહેવડાવા માટે નહેર અને સ્ટ્રકચરોના મરામત/સુધારણા કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
નળકાંઠા વિસ્તારના સિંચાઈ સુવિધાથી વંચિત રહેલ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે રૂ. 25 કરોડની જોગવાઈ કરાઈ છે. જેનાથી અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના 14 ગામો, બાવળા તાલુકાના 10 ગામો અને વિરમગામ તાલુકાના 14 ગામોના કુલ આશરે 25 હજાર હેકટર વિસ્તારને લાભ મળશે.