Site icon Revoi.in

ગુજરાત નેશનલ લો યુનિ. હોસ્ટેલમાં 35 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બનતા આરોગ્યની ટીમ દોડી ગઈ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી જતા સરકારે માસ્ક સિવાયના તમામ નિયંત્રણો ઉઠાવી લીધા છે. ત્યારે ફરીવાર કોરોનાના કેસમાં આંશિક વધારો થતા તંત્ર દોડતું થયું છે. જિલ્લાના રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટીમાં 35 જેટલા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી જતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આરોગ્યની ટીમ દ્વારા યૂનિવર્સિટીમાં જઈને શરદી ખાંસી અને તાવના દર્દીઓની વિગતો મેળવીને ગર્લ્સ – બોયઝ હોસ્ટેલમાં કન્ટેન્ટ્મેન્ટ ઝોનનાં બોર્ડ પણ લગાવી દેવાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં કોરોનાનાં કેસ સંપૂર્ણ નિયંત્રણમાં આવી ગયા બાદ ફરીવાર લો યુનિની હોસ્ટેલમાં એકસાથે 35 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા આરોગ્ય વિભાગના તબીબો દોડી ગયા હતા. હોસ્ટેલને કન્ટેન્ટ્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અને કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ જેમના સંપર્કમાં આવ્યા હોય તેમનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા  ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટીમાં પણ ટેસ્ટિંગ કેમ્પ યોજવામાં આવ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટીમાં અત્યારે અંદાજીત 700 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહ્યા. જે પૈકીના 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આ વિદ્યાર્થીઓ છેલ્લા ચાર દિવસથી શરદી ખાંસી અને તાવની બીમારીમાં સપડાયા હતા. જેમાંથી એક વિદ્યાર્થીની તબિયત વધુ લથડતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જેનો કોરોના રિપૉર્ટ કરવામાં આવતાં તે પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. જેનાં પગલે યૂનિવર્સિટી પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરુપે મોટાભાગના તમામ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાથી 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. એકસાથે આટલા વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી જતાં 15 જેટલા વિદ્યાર્થીઓને યૂનિવર્સિટીમાં અલગથી આઈસોલેટ કરી દઈ સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 20 જેટલી વિદ્યાર્થિનીઓને પણ ગર્લ્સ હોસ્ટેલમાં આઈસોલેટ કરી દેવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓનું યૂનિવર્સિટીનાં ડોક્ટર દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. બીજી તરફ બીજા અન્ય 35 જેટલા વિદ્યાર્થીઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. અને તેમના રિપોર્ટ પણ કરવામાં આવ્યાં છે. જેનાં પગલે આજે આરોગ્ય તંત્રની ટીમ પણ યૂનિવર્સિટીમાં પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ કર્યું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે લો યૂનિવર્સિટીમાં કન્ટેનમેન્ટ ઝોન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ગર્લ્સ હોસ્ટેલ તેમજ યૂનિવર્સિટીનાં પ્રવેશદ્વારે કન્ટેનમેન્ટ ઝોનનાં બોર્ડ લગાવી દેવાયા છે. તેમજ યૂનિવર્સિટી પ્રશાસન દ્વારા ઓફ લાઇન શિક્ષણ કાર્ય બંધ કરીને ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. એક સાથે લો યૂનિવર્સિટીમાં કોરોનાનો વિસ્ફોટ થતાં ઘણા વિદ્યાર્થીઓ ઘરે જવા માટે પણ રવાના થવા લાગ્યા છે.