અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જ્યંતી રાજ્યભરમાં ઊજવાઈ હતી.ગાંધીનગર સ્થિત વિખ્યાત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા 6 કિ.મી. લાંબી રન ફોર યુનિટી દોડ યોજવામાં આવી હતી. ત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ પણ છ કિ.મીની દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સૌ કોઇને પ્રેરણા પૂરી પાડી હતી
અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 146મી જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે દેશની વિખ્યાત એવી ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા પણ 6 કિલોમીટર લાંબી રન ફોર યુનિટી દોડ યોજવામાં આવી હતી આ દોડમાં સંસ્થાના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડના પ્રારંભ અગાઉ સૌએ સાથે મળીને શપથ લીધા હતા. તેમાં જણાવાયું હતું કે, રાષ્ટ્રની એકતા અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા તેઓ સ્વયંને સમર્પિત કરશે, દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમનું યોગદાન આપવા સત્ય નિષ્ઠા સાથે તેમણે શપથ લીધા હતા
દેશની સુરક્ષા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા નાગરિકોમાં ભાઈચારાની ભાવના જળવાય તથા નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા રન ફોર યુનિટી દોડ યોજાઈ હતી. ત્યારે યુનિવર્સિટીમાં એલએલએમનો અભ્યાસ કરતો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી પણ દોડમાં ખાસ જોડાયો હતો. જેણે આ છ કિ.મી લાંબી દોડ સફળતા પૂર્વક પૂર્ણ કરી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.