Site icon Revoi.in

ગુજરાત લેશનલ લો યુનિવર્સિટી દ્વારા રાઈટ ટુ એજ્યુકેશનના કાયદા સંદર્ભે કોન્કલેવ યોજાઈ

Social Share

ગાંધીનગરઃ રાઈટ ટુ એજ્યુકેશન એટલે શિક્ષણના અધિકારના (RTE) કાયદાનો અસરકારક અમલીકરણ તરફ કામ કરવા માટે શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને કાર્યકરોને સાથે લાવવાના ઉદ્દેશ સાથે ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન કોન્કલેવ યોજવામાં આવી હતી. આ પ્રસંગે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે બે દિવસીય રાઈટ ટુ એજ્યુકેશન કોન્ક્લેવનુ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનૂંગોએ કોન્કલેવનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, આઝાદીથી લઈને આજ સુધીની કોઈપણ શિક્ષણ નીતિમાં શિક્ષણને વ્યવસાયિક પ્રવૃત્તિ તરીકે માન્યતા આપવામાં આવી નથી. જો કે એ અલગ વાત છે કે લોકો શિક્ષણમાંથી પૈસા કમાય છે. શૈક્ષણિક સંસ્થાઓ એક રાષ્ટ્રીય સંસાધન (નેશનલ રિસોર્સ) છે અને રાષ્ટ્રના દરેક બાળકનો આ રાષ્ટ્રીય સંસાધન પર સમાન અધિકાર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને શિક્ષણનો બંધારણીય અધિકાર છે. જો કે, બાળકો વિરોધ કરી શકતા નથી, આંદોલન કરી શકતા નથી, રસ્તાઓ પર આવી શકતા નથી અને તેમના અધિકારોનો દાવો કરવા માટે જાહેર હિતની અરજી કરી શકતા નથી. તેથી આ બાળકોને તેમના હક્કો મળે તે માટે સરકારે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ઘડ્યો છે. તેનો ગરીબ બાળકોને પણ લાભ મળવો જોઈએ.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં અનામત બેઠકો પર પ્રવેશ કેવી રીતે મેળવવો તે બાબતે સામાન્ય જનતાને માર્ગદર્શન મળી રહે તે હેતુથી GNLU સેન્ટર ફોર વુમન ઓન ચાઈલ્ડ રાઈટ્સના વિદ્યાર્થી – સભ્યોએ સરળ અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવેલ હેન્ડબુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.